પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯


એમ દિવસ ચાલ્યા જતા હતા અને રંક કુટુંબ ઉપર ઉન્મત્ત પ્રમત્ત જગતમાંથી કોઈ પણ અાંખ ફરકતીયે ન હતી. સૂર્ય-કિરણનાં દર્શન કરવા વગર જમીનની અંદર કોઈ બળવાન ઝાડનું બીજ-વધતું જાય તેવી અવસ્થા બુદ્ધિધન ભોગવતો હતો, તેમ વિપત્તિનો તાપ તેના ઉપર પડ્યો ન હતો. મ્હોટાં થવાની ઈચ્છા શિવાય તેના મનમાં પણ બીજું કાંઈ ચિંતાનું કારણ ન રહેતું, અને આ ઇચ્છા એક જીર્ણજ્વર જેવી તેના મનમાં રહ્યાં કરતી. એ વ્યાધિની હયાતી ઘરમાં કોઈ જાણતું ન હતું. માત્ર જાતે જ એકાંત સમયે તેની સહજ પીડા અનુભવતો.

આવી અવસ્થા પણ ઘણા દિવસ ન ટકી. વિપત્તિનું વાદળ ઉછરતા છોડ ઉપર તુટી પડવા લાગ્યું. બાપનું મરણ અણચિંતવ્યું વિષૂચિકાથી[૧] થયું. આ બનાવ સારુ બુદ્ધિધન જરા પણ તૈયાર થયો ન હતો. અજાણ્યા અચિંત્યા થતા ઘાની પેઠે તે તેને લાગ્યો. તેનું બળવાન મન ઘડીક ચુર થતું જણાયું. તેના સ્વભાવને લીધે ગમત કરનાર જુવાન જગતમાં તેના સમાનશીલવ્યસનવાળું કોઈ ભાગ્યે મળી શકે એમ હતું. ગરીબ અવસ્થાને લીધે પઈસાવાળા ખુશામત શિવાય મિત્રતાનાં બીજાં દ્વાર બંધ રાખતા. ગરીબ લોકોમાં કુલીનસંસ્કાર ન મળતો. અને કોઈ એમ છતાં મિત્ર થવા જેવો મળે તો બુદ્ધિમાં અંતર રહેતું. આથી થયું એ કે બુદ્ધિધન મિત્ર વગરનો રહ્યો અને ખરી વિપત્તિને સમયે તેના મનનું ઐૌષધ કરવા તેની મા વગર બીજું કોઈ હતું નહી અને તે માને પણ વૈધવ્યદુ:ખ પડવાથી તેના મનની સંભાળ લેવી એ પણ હવે ખરેખર એકલા પડેલા બુદ્ધિધનને માથે ફરજ થઈ પડી.

અાટલાથી જ વિપત્તિનું ઝાપટું પુરું થયું નહી.

जीवतो वाक्यकरणात् मृताहे भूरिभोजनात् ।
गयायां पिण्डदानेन त्रिभि: पुत्रस्य पुत्रता ॥

બ્રાહ્મણ-સંસ્કારવાળા પુત્રને આ શ્લોક ઘણો વ્હાલો હતો અને ૨મણીય લાગતો. સુધારાવાળાઓની પુત્રતા પોતાની રુચિને અનુસરતી રીતે પિતાનું નામ લોકપ્રસિદ્ધ કરવામાં વિકાસ પામે છે. બુદ્ધિધનની પુત્રતા પિતાની રુચિને અનુસરતી રીતે વર્ત્તવામાં સ્ફુરવા ઈચ્છતી હતી. ઘણી ચિંતા કરી, આમ તેમથી પૈસા એકઠા કરી શ્રમ વેઠી, અને એવી એવી અનેક વર્ત્તમાન તથા ભવિષ્ય વિપત્તિયો માથે વ્હોરી તેમ કરવામાં પિતાના મરણનો


  1. ૧. કૉલેરા, કેાગળીયું.