પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧


ભરચક દુ:ખની અંધારી અમાસ જેવી સાડી ઉપર નિર્દોષ મુગ્ધવિલાસની આકાશગંગા જેવી તારાટપકી, એકાંતમાં અને જાણે આખું જગત ઉંઘી ગયું હોય એવા વિશ્વાસથી, ચમકારા કરતી. સુખદુઃખના પટ કેવળ એકરંગી ક્વચિત જ હોય છે. વિપત્તિના પથરાપર અથડાતાં એક રીતે કઠણ બનતું બુદ્ધિધનનું શુરવીર મન અાવી રીતે બીજી પાસથી કોમળ બનવાની કેળવણી પામતું હતું. ગંભીરતામાં દ્રઢ થતા સ્વભાવના ઉંડા અંતર્ભાગમાં આવી વિલાસશીલતાના ફણગા ફુટતા હતા અને તે આખા જગતમાં કોઈને માલુમ પડતું ન હતું.

એક દિવસે ઓરડામાં બેઠાં બેઠાં સાસુવહુ વાતો કરતાં હતાં અને ગઈ ગુજરી સંભારી નિ:શ્વાસ મુકતાં હતાં. સાસુનું હૈયું ભરાઈ આવ્યું અને બાળકના દેખતાં રોઈ ન પડાય તો સારું એવો વિચાર કરી તેને કાંઈ કામને મિષે આઘી મોકલવાની યુક્તિ કરી. “ વહુ ! જરા પાણી લઈ આવશો ?” સાંભળતાં જ કુટુંબદીપિકા પાણી લેવા ચાલી. ઘરના બીજા ભાગમાં જાય છે અને ગોળીમાંથી પાણી ભરે છે. બુદ્ધિધન કાંઈક વિચારમાં પડ્યો પડ્યો હીંચકા ખાતો હતો તેને નજર ચમકાવનાર મળતાં હીંચકા બંધ કર્યા; સૌભાગ્યદેવી પાણી ભરતી હતી તેણી પાસ એકટશે જેવા લાગ્યો અને ઉઘાડાં મુખ નેત્ર આદિ જોઈ દૃષ્ટિ ઠારવાની, અને ઢંકાયલાં પરંતુ છાનાં ન રહેતાં મુગ્ધ અને લલિત અવયવો જોઈ કૌતુકમાં મગ્ન થવાની, અવસ્થાએ વચ્ચે આમથી તેમ હિંદોળા ખાવા લાગ્યો. પાણી ભરતાં ભરતાં સોભાગ્યદેવીની પણ સ્વાભાવિક રીતે વરભણી નજર ગઈ અને બે જણ એકબીજાને કેટલીક વાર સુધી જોઈ રહ્યાં અને બીજા સર્વે અંતરબાહ્ય વ્યાપાર સ્તબ્ધ થઈ ગયા. સાસુને પાણી જોઈએ છીએ એ વાત વહુ ભુલી ગઈ વહુ ગઈ એટલામાં અશ્રુપાત કરી ઉભરો ક્‌હાડી સાસુ સાવધાન થયાં અને વહુને આવતાં વાર કેમ થઈ તે વિચાર થયો તથા રખેને મ્હારા મ્હોંઉપરથી ચેતી એ પોતે રોતી હોય એવો વિચાર કરી વિધવાનો રુઢીધર્મ ભુલી ઓરડામાંથી બહાર નીકળી વહુની પાછળ ચાલી. “મ્હારા ઘરનું સૈાભાગ્ય - મ્હારા રંક ઘરની આશા – મ્હારા વધનાર કુળની દેવી ! મ્હારા આવા દુઃખમાં ત્હા‍રું સુખ છાજશે ખરું ? હે પ્રભુ !” એમ ક્‌હેતી ક્‌હેતી નિઃશ્વાસ નાંખી આવે છે ત્યાં દીકરાવહુની મુગ્ધ ચેષ્ટા નજર પડી અને એકદમ પગ પાછો ખેંચ્યો. પરંતુ આપત્તિકાળથી ઘેરાયલીથી આ સુભગ દેખાવનું ખરાપણું માની ન શકાયું અને તે ખરાપણું અજમાવવા સારૂ-કૌતુ-