પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪

કોઈક વાર ઘરમાંની સ્ત્રીયો માંદા માણસની પથારી પાસે બેસતી તેના ઉપર કુદ્રષ્ટિ ભરી નજર નાંખી અને કંઈ કંઈ તર્ક વિતર્ક કરી, કોઈવાર હાથ આવ્યું ચોરી લઈ શોર બકોર કરી, આખર સઉ પોતપોતાને ઘેર, રજા માગી, અથવા માગ્યાવગર ખરું ખોટું બહાનું ક્‌હાડી, જતાં ર્‌હેતાં. સૌભાગ્યદેવી અને તેની સાસુ મૂળ તો દુખીયારાં થઈ ગયાં હતાં તેમાં અા ગરબડાટથી કાયર થઈ ગયાં. ઔષધમાં કોઈ કામે ન લાગે અને ઘણા લોકો ઔષધ કંઈ કંઈ બતાવે તેમાં ખરું શું કરવું તે ન સુઝે. આખરે શોક ન ગણી બધાં આવ્યાં હોય તે વખત પણ મા દીકરા પાસે બેશી રહે અને વહુ હેરોફેરો કરે અને હરતાં ફરતાં ડસડસી રહે. રંક કુટુંબના આધારભૂત બુદ્ધિધનને હજુ કરાર ન થયો.

દુઃખ ઉપર દુ:ખ આવી પડે. બુદ્ધિધનના બાપને ગુજર્યે વર્ષ થવા આવ્યું. નવો પટ્ટો કરી આપવાની કારભારીયોએ ના પડી. ખાનગી રીતે સૂચના મળી કે કારભારી અને વચલા માણસોના હાથ ભરાય તો વર્ષાસન ચાલુ રહે. આપત્તિમાં પડેલા નિર્ધન કુટુંબને આ અશક્ય થઈ પડ્યું હતું અને વર્ષાસન બંધ પડ્યું ! લાચાર અબળાઓ – સાસુવહુ– રોઈ રહ્યાં અને બુદ્ધિધનને સમાચાર ન કહ્યા. મંદવાડ લાંબો પહોંચ્યો, ઘરમાંથી ખરચી ખુટી, અાવક બંધ થઈ જમીન અને ઊઘરાણી પુરુષ વગર નકામાં પડ્યાં. બજારકામ કરનાર કોઈ રહ્યું નહી. વૈદ્યને દવા કરવાના ઉત્સાહનું કારણ રહ્યું નહી અને એના ફેરા ઓછા થવા લાગ્યા. લોકો જોવા આવતા હળવે હળવે થાકી ગયા અને બંધ પડ્યા. ઘરમાં શૂન્યકાર લાગવા માંડ્યો, અને માંદા માણસ ભણીથી બીજીપાસ ધ્યાન ખેંચનાર વસ્તુ રહી નહી. માંદા માણસ પાછળ સાજાં માણસ પણ માંદાં જેવાં – હવેરાં જેવાં બની ગયાં. બીચારી સાસુવહુના દુઃખની - વિડંબનાની - મર્યાદા રહી નહીં. ઉપર આભ અને નીચે પાણી એ બે વિના ત્રીજું, રંક અબળાઓને જોવાનું રહ્યું નહીં.

બુદ્ધિધનનું દરદ વધતું ગયું, મૂળ વ્યાધિમાંથી કંઈ કંઈ વધ્યું. પથારીમાં સુતો સુતો બુદ્ધિધન વૃદ્ધ માતા અને બાળક પત્ની આમ તેમ ફરતાં તેમ તેમ તેમના ભણી ડુબી ગયેલા ડોળા ફેરવતો. વહુ આખો દિવસ વરભણી જોઈ એકાંતે રોયાં કરતી અને અાંખો સુજાવી નિઃશ્વાસ મુકતી. માને પણ દુઃખની સીમા ન રહી. પરંતુ દીકરાવહુ ભણી વારંવાર વારાફરતી જોયાં કરતી, એકાંતે કપાળ કુટતી, અને દેખીતી હીંમત રાખી દીકરાની બરદાસ કરતી અને વહુ એકાંતે પડી સોરે નહીં તેની ચિંતા રાખી તેને ચાલતા સુધી નજર આગળથી ખસવા ન દેતી.