પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫


આખરે ઘરમાં સઉનો અવર જવર બંધ થઈ ગયો. માત્ર એક વૈદ્ય પરમાર્થબુદ્ધિથી નિર્ધન થઈ ગયેલાનું ઐાષધ કરવા આવતો; અને એક વૃદ્ધ પડોશીની વાતો બુદ્ધિધન સારો હતો ત્યારે સાંભળતો એટલે એની વચ્ચે પ્રીતિ થયલી હતી તેથી તે પડોશી ઘડીવાર આવી પથારી પાસે બેસી વાતો કરી તેના મનમાં શાંતિ ઉત્પન્ન કરતો, અને વિધવાની દયા જાણી બજારકામ તથા વૈદ્યને ઘેર ફેરાફાંટાનું કામ કરતો. વર્ષાસન બંધ પડવાની વાત અત્યારસુધી બુદ્ધિધનને કોઈએ જણાવી ન હતી. તે એના જ કહ્યાથી. એક દિવસ તે પણ બીચારો માંદો પડ્યો એટલે એક આખો દિવસ તેનાથી અવાયું નહીં અને વૈદ્યથી પણ અવાયું નહીં. વિધવા બારણે નીકળતી ન્હોતી તેને બહુ અકળામણ થઈ. વહુને મોકલવી એ વ્યાજબી લાગ્યું નહી અને આખરે દીકરા સારુ લોક-મર્યાદ અને રુઢી તરછોડી બીજે દિવસે મળસ્કામાં વત્સલ-માતા વૈદ્યને ઘેર લજવાતી છુપાતી ચોરની પેઠે ચાલી અને લાજ છોડી છોડવી વહુને દીકરાની પથારી પાસે પોતાની ગેરહાજરીમાં બેસવાનું અને ખબર રાખવાનું સૂચવતી ગઈ.

સાસુ ગયાં એટલે કમાડ વાસી વહુ વ૨ની પથારી અાગળ અાવી બેઠી. બુદ્ધિધનની અાંખ જરા મીંચાઈ હતી; તેનું ફીકું અને માંદલું મ્હોં નિદ્રાને લીધે શબ જેવું લાગતું હતું, અને દુર્બળ થઈ ગયેલા બાકીના આખા શરીર ઉપર ધોતીયું હોડી લીધેલું હતું. હાથ ઉઘાડો હતો અને તેનાં નળાં તથા હાડકાં સ્પષ્ટ દીસતાં હતાં. સાસુ બારણે ગયાથી ઉભરો ક્‌હાડવાને વહુના ડસડસી રહેલા અંતઃકરણને કાંઈક અવકાશ મળ્યો હતો, અને તેની અાંખમાં ઝળઝળીયાં ભરાઈ આવ્યાં હતાં. તેમાં પથારી પાસે બેઠી અને પોતાના 'નોધારાં આધાર' સ્નેહી પતિનું આવું શરીર અને મુખ જોતાં તેનું કોમળ બાળક હૈયું ભરાઈ આવ્યું. થોડીકવાર તો પતિ મુખ સામું માત્ર જોઈ રહી અને વિચારમાં ને વિચારમાં ઝીણે રાગે ગાવા-ગણગણવા–લાગીઃ–

"દુઃખી દારા દુનીંયામાંહ્ય કંથ વિદેશ ગયે,
"સુખી સમાજે સ્ત્રી સંસાર સ્વામી સંગ રહ્યે.
"અા અવસરમાં, પ્રીતમ પ્યારા, ન્યારા ! તજી, પરદેશ રે
“જાવા અાવા સિદ્ધ થયા પણ મનમાં ઉપજે કલેશ,
"કંથ વિદેશ ગયે !"
“કંથ વિદેશ ગયે – કંથ વિદેશ – [૧]


  1. * એક વર્તમાન સ્ત્રીગીતમાંથી.