અા ગાતાં ગાતાં અને પતિના મડદા જેવા મ્હોં સામું જોતાં જોતાં તેની કલ્પનાશક્તિ સળગી ઉઠી. દુઃખના અંધારામાં નબળા મનની અાંખ આગળ કંઈ કંઈ અમંગલ તર્ક વિતર્ક ભૂત પેઠે ખડા થયા અને અંતઃકરણપ૨ મહા જોરથી મારી રાખેલો આગળો કલ્પનાને ધકકે એકદમ ઉઘડી ગયો. પતિ જાગશે એ ભાન રહ્યું નહી અથવા ર્હેવા છતાં તેને વશ રહી શકી નહી. " હાય, હાય, હાય, હાય, હાય ! ” કરી બુદ્ધિધનના પગ આગળ એકદમ માથું પછાડી, તેના પગ બે હાથ વચ્ચે માથા સરસા ચાંપી મોકળું મુકી મ્હોટે સાદે છાતીફાટ અનાથ બાળક અબળા રોવા લાગી અને ઉન્હાં અાંસુના ખળી ન રહેતા પ્રવાહથી પથારી ભીની થઈ ગઈ બુદ્ધિધન અચિન્ત્યો જાગી ઉઠ્યો. નબળાઈને લીધે ઉઠવાની તેની શક્તિ ઘણા દિવસથી ગઈ હતી તે કોણ જાણે ક્યાંથી આવી કે ઝપ લઈ પથારીમાં બેઠો થયો અને લાંબા નાંખેલા પગના છેડા આગળથી દુબળા સોટા જેવા હાથવડે દુઃખી પતિવ્રતાનું માથું ખોળામાં ખેંચી લીધું અને તે હાડપિંજર જેવી પોતાની છાતી સાથે ડાબવા–જોર ન હોવાથી વ્યર્થ શ્રમ કરવા–લાગ્યો. તેનું બ્હેબાકળું (ભય-વ્યાકુલ) મ્હોં જોઈ દીન બની ગયેલો, પરંતુ ધીર, પુરુષ તેના શોકનું કારણ સમજી ગયો, અને સજલ-નયન બની અમી વગરને મ્હોંયે ત્રુટ્યે ગદગદ સ્વરે બોલ્યોઃ–
“દેવી ! આમ શું કરે છે ? ધીરજ રાખ, ઈશ્વર અનાથનો બેલી છે.”
ઈશ્વરને ઠપકો દેતી હોય – ઈશ્વરની ઈચ્છા પોતાને પ્રતિકૂળ થઈ માનતી હોય — એમ કાંઈ પણ બોલવા વગર દીન બનેલી માત્ર પતિના સામું ઘેલી જેવી જોઈ રહી. તેને ખભે હાથ નાંખી થોડીવારે નીચું જોઈ રોતી રોતી બોલી ઉઠી – “હું શું કરું ? મ્હારાથી નથી ખમાતું ! માતુ:શ્રી- (સાસુ) એ તો કરવાનું કર્યું ! પલ્લું વેચી આપણા લગ્નમાં થયેલું દેવું તેમણે વાળ્યું. થોડું વધ્યું તેનાથી ઘરખરચ નભાવે છે. હું ઘણુંએ કરું છું પણ મ્હારું પલ્લું વેચવા ના પાડે છે ! શોક ન ગણી અત્યારે વૈદ્યને ઘેર ગયાં છે. હાય ! હાય ! મને તે દૈવે શાને ઘડી ? મને પરણવા તમારે દેવું થયું. મ્હારી જાત એવી નકામી કે માતુઃશ્રીને અાટલી અડચણ છતાં બારણે જઈ મ્હારાથી કામમાં ન અવાયું ને એ ગયાં. એમનું કર્યું કોણ કરશે ? એમનો અવતાર સફળ થયો, હું મોઈ નકામી. મ્હારું પલ્લુંએ નકામું ! તમને ન ખપે ! હાય હાય ! વર્ષાસન ગયું, તો ગયું, પણ – બળ્યું એ પલ્લું ! તમારે કામ ન આવે તો મ્હારે પણ ન આવે ? મ્હારે શું કામ