પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭

હતું એનું !” એમ કહી ઝપો ઝપ શરીર પરનાં ઘરેણાં ક્‌હાડી સામી ભીંતભણી રીસ કરી જોરથી ફેંકી દીધાં. “હું તો માત્ર તમારું આવું શરીર અને આવું મ્હોં જોવાને જ સરજી છું ! અા નથી જોવાતું રે મ્હારા નાથ !” એમ કહી વળી ઠુઠવો મુક્યો.

નરમ બની વધારે ખેદ પામી, બુદ્ધિધન પત્નીના મુખ સામું લાચાર અાંખે જોતો બોલ્યોઃ–“ દેવી ! આમ શું કરે છે ? વર્ષાસન ગયું તેની મને ખબર કેમ કરી નથી ? હશે. તું નકામી નથી. તું નકામી કેમ ? તું તો ઘણેય કામે આવીશ. મ્હારા આધાર–મ્હારી વ્હાલી ! – મ્હારી દેવી ! ધીરજ રાખ. ઈશ્વર અનાથનો બેલી છે. આ ઘરેણાં ત્હારાં સૌભાગ્યનાં છે. તેને ફેંક નહી.”

“મારું સૌભાગ્ય તમારા વિના બીજે ક્યાં છે ? મ્હારે ઘરેણાં સાથે કાંઈ સગપણ નથી. તમારા મ્હોંની તેજી ક્યાં ? ઈશ્વર હશે તેનો હશે; હું શું કરું રે ઈશ્વર ! તમે સુઈ જાઓ, તમારી નબળાઈ વધશે. અરે આ વખતે પણ હું તમને દુઃખ દેવાને સરજી છું.” એમ કહી બે હાથે મ્હોં અને અાંખો ઢાંકી રોઈ લઈ પતિને ઝાલી પાછો સુવાડ્યો.

આમ કેટલોક વખત ગયો એટલામાં બારણું ખખડ્યું. ઉતાવળમાં ઘરેણાં એમ ને એમ રહેવા દેઈ સૌભાગ્યદેવીએ બારણું ઉઘાડ્યું.

વત્સલ માતા ઘરમાં આવી. તે નિરાશ દેખાતી હતી. તેના મ્હોંપર ઉગ્ર કોપ અને અાંખોમાં રતાશ અને પાણી ઢાંક્યાં રહેવા અશક્તિમાન લાગતાં હતાં. તેના ઓઠ ફફડતા હતા , અને વૃદ્ધ હૈયું ધબકતું હતું. તેમાં વળી દીકરો, વહુ, અને ઘરેણું એ સઉનો નવો તાલ જણાયો અને એક પળવારમાં કંઈ કંઈ ચિંતાઓ અને શંકાઓ તેના અંતઃકરણમાં નવી જુની થઈ ગઈ

સુતો સુતો હળવે હળવે પુત્ર બોલ્યો –“માતુઃશ્રી, ક્યાં ગયાં હતાં ? આજ સુધી વર્ષાસનના સમાચાર મને ન કહ્યા તે ઠીક કર્યું ? તમારું મ્હોં આમ કેમ ?”

વર્ષાસનની વાત ઉઘાડી પડી જાણી ઠપકા ભરેલી આંખે વહુના સામું જોઈ ઘરેણાં ભણી નજર કરી સાસુ ઉભી જ રહી.

સૌભાગ્યદેવી ઉઠી, સાસુને બાઝી પડી અને તેની છાતીમાં માથું સમાવી દેઈ રોતી રોતી બોલી – “માતુ:શ્રી ! વાંક માફ કરો. આટલું મ્હારું ઘરેણું તો કામમાં આણો ! "