પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮

બારણું વાસી બે જણ પથારી પાસે બેઠાં - બેસતાં બેસતાં સાસુ બોલીઃ– “ દેવી ! બેટા ! તું બાળક છે. ત્‍હારાં ઘરેણાંને કેમ કામ નહી લગાડીયે? જરુર પડશે ત્યારે એમ પણ કરવું પડશે. ત્‍હારી સમજ કાચી છે. ત્‍હારી ફીક૨ મ્હારે છે. ઈશ્વર એ ઘરેણાં સદૈવ ત્હારા શરીર ઉપર જ રાખો ! બેટા, તું અામ રો નહી. પ્‍હેર ઘરેણુાં.” એમ કહી નિ:શ્વાસ મુક્યો.

“દીકરા, હું શું કહું ? કેટલું કહું !” એમ કહી લુગડાવતે અાંખો લોહી. વૈદ્ય પરગામ ગયો હતો અને તેની બાયડી મળી તે હલકા સ્વભાવની હતી. વૈદ્ય મફત ઔષધ આપતો તે વાત વૈદ્યાણીથી છાની રાખી હતી, કારણ એવાં એવાં મફતીયાં તો ઘણાંએ આવે અને તેનું કામ વૈદ્ય કરે તો વૈદ્યાણીનો જીવ જતો અને જો ધણીપર રમસ્તાન મચાવી મુકતી. બુદ્ધિધનની માને આવતી જોઈ મફતીયું ઘરાક જાણી તેને ગાળો દેઈ ધમકાવી અને વૈદ્યનો પત્તો પણ ન બતાવ્યો તે કોઈ દયાળુ પાડોશીએ કહ્યું ત્યારે જાણ્યું કે અચિંત્યું, વૈદ્યને જવું પડ્યું છે: નિરાશ બની બાઈ પાછી ફરી. પાછાં ફરતાં વિચાર થયો કે કારભારી મ્હારો પીયરનો સગો છે તેને માંહ્યમાંહ્યથી જઈ વર્ષાસનની વાત કરું. કારભારીના ઘરમાં પેસતાં તેની દીકરી ઓટલે ઉભી હતી તેણે ગરીબ બાઈ ઉપર મ્હોં મરડ્યું અને ચાળા પાડ્યા. ગરજ ગધેડીને મા ક્‌હે. ચાળા બાળા જાણે કોઈએ પાડ્યા નથી એવું ગણી બાઈ ઘરમાં પેઠી. કારભારી ચોકમાં ચાકરો વચ્ચે બેઠો બેઠો દાતણ કરતો હતો. બાઈને જોઈને જ તેને આવવાનું કારણ તે કળી ગયો. અાવા ભુખ ઘરાક પાસેથી કાંઈ પાકવાનું નથી. અને નકામી માથાકુટ સવારના પ્‍હોરમાં પડશે જાણી કારભારીએ કસમોડું મ્હોં કર્યું અને ચાકર મારફત ક્‌હેવડાવ્યું, “હાલ કામદાર કામમાં બેઠા છે. જાવ, કામ હોય તો દરબારમાં અરજી લખી આપજો.” બ્‍હીતી બ્‍હીતી ઉમ્મર ઓળંગતી હતી તે અા સાંભળી બાઈ પાછી વળી. થોડેક ચાલી એટલે એક રાંડેલી પણ શણગરાયલી બાઈ કારભારીના ઘરમાંથી નીકળી અને થોડેક છેટે ગયા પછી દુઃખી વિધવાને પકડી પાડી તેની સાથે વાતોમાં પડી.

“તમે વર્ષાસન સારુ કારભારીને ઘેર ગયાં હશો.”

" હા.”

“ મ્હારું એક કહ્યું કરો તો તમારું વળે.”

“ મ્હારી પાસે લાંચ આપવાને પઈસા નથી. હું તો ગરીબ છું. ”

“પઈસાના કરતાં વધારે તમારી પાસે છે.”

અચિંતી ચમકીને બુદ્ધિધનની મા પેલી બાઈ સામું શંકા અને ભય ભરેલી આંખે જોઈ રહી બોલી, “ શું ?”