બેશરમી કુલટા હીમ્મત રાખી બોલી: “કંઈ નહીં. મ્હારી જોડે
તમારી વહુને જરી મોકલો. હું કામ કરી આપીશ. કારભારીના
દીકરાને ને મ્હારે સારાસારી છે. તમારા સારા સારું કહું છું.”
ગરીબની વહુ સઉની ભાભી.
પવિત્ર વિધવાએ દાંત કચડ્યા અને ઓઠ પીસ્યા. અાંખો રાતી થઈ ગઈ પણ દુષ્ટ રાક્ષસી અાગળ મ્હોંનું બળ બતાવવાથી પણ ભયનું કારણ હતું. પવિત્ર કોપ દેખીતો ઢાંકી દીધો અને “બાઈ, મ્હારે વર્ષાસન નથી જેઈતું ” કહી તેના દુષ્ટ પરછાયાની હદ તજી ચાલવા માંડ્યું. દેશી રજવાડામાં દીકરો ફોજદાર, ભાઈ ન્યાયાધીશ, અને બાપ કારભારી; કોની ફરીઆદ કોની પાસે કરવી? અનાથ અબળા છાનીમાની ઘેર ચાલી.
આ સર્વે સમાચારથી બુદ્ધિધનને મંદવાડમાં દુઃખ થશે જાણી તેને ન ક્હેવા ઠરાવ કર્યો હતો. પરંતુ તે માના મ્હોં ઉપરથી કળી ગયો કે કાંઈ નવાજુની થઈ છે. તેને સંતોષવાને માત્ર એટલું જ કહ્યું કે 'જોને, દુ:ખીનું નસીબે દુ:ખી. વૈદ્ય ગામ ગયા છે? બાકીની વાત, આડી અવળી વાત કરી, ભુલાવી અને નબળા મગજ પર તેમ કરવું કઠણ ન પડ્યું. બુદ્ધિધન પાછો ઉંઘી ગયો. સાસુવહુ હળવે રહીને જોડના ભાગમાં જઈને બેઠાં. વહુનું રોવું રહ્યું નહી. સાસુ વહુનું માથું ખોળામાં મુકી બેઠી અને તેવી રીતે સુતી સુતી બાળક વહુ રોતી રોતી ઉંઘી ગઈ અને સ્વપ્નવશ થઈ. વડીલ વિધવા આમ એકલી જેવી પડી એટલે વિચારમાં ગરક થઈ ગઈ. બેઠી બેઠી એક હાથે વહુને થાબડતી હતી અને આંખોમાંથી ચોધાર આંસુ છાનાંમાનાં વણ-અટ-કાવ પડતાં હતાં તેને બીજે હાથે વ્યર્થ લોહ્યાં કરતી હતી. એટલામાં વૃદ્ધ પડોશી દયાશંકરે બારણું ઉઘાડ્યું. તેને છાનાંમાનાં આવવા વિધવાએ નિશાની કરી. તે પ્રમાણે તે બારણાં પાછાં વાશી આવ્યો અને તેની પાસે બેઠો. એક દિવસ ન અવાયું તેનું કારણ બતાવી ખબર પુછવા લાગ્યો.
અનાથ બાઈ ગળગળી થઈ ગઈ અને સાદ સંભળાય નહી એમ રોઈ પડી.
विवृतद्वारमिचोपजायते ॥
પોતાનું માણસ મળ્યું એટલે દુઃખીનાં દુઃખનાં બારણાં ઉઘડી જાય છે. દયાળુ પડોશી પાસે દુઃખીયારી બાઈએ વૈદ્યના અને કારભારીના ઘરના સર્વે સમાચાર અથઈતિ સવિસ્તર કહી બતાવ્યા. દીકરાની અને વહુની પણ વાત