કરી. “ હાય, હાય, આ અનાથ ફુલની શી અવસ્થા થશે ! દયાશંકર, હું તો ઘડપણમાં બેઠી પણ આ બાળકે મ્હારા જેવી થઈને બેસશે તો એનું મ્હોં મ્હારાથી કેમ જોવાશે ? એની શી વ્હલે થશે ! હુંએ હવે મરવાની એટલે અા મ્હારી દેવીનું કોણ ?” વૃદ્ધ દયાશંકરે બાઈને હીંમત આપી.
“બ્હેન, તમે હીંમત રાખો. તમારા ભાગ્યમાં હજી ઘણાં સારાં વાનાં છે. બુદ્ધિધનને પાછો આરામ થવાનો એમાં સંદેહ નથી. અને એને આરામ થયો એટલે એ સિંહનું જોર કરવાનો. એ બાબતમાં મ્હારું અંત:કરણ સાક્ષી પુરે છે માટે સત્ય માનજો. તમારી વહુનું સૌભાગ્ય અમર છે એવું મેં એની જન્મોત્રીમાં જોયું છે. બુદ્ધિધનને પણ હવણાં તો વર્ષ નડે છે પણ આખરે સારું છે.”
દયાશંકરને જ્યોતિષ ઉપર કાંઈ વિશેષ શ્રદ્ધા હતી એવું ન હતું પરંતુ દુઃખી વિધવાના અંતઃકરણમાં એ નિમિત્તે આશાનું અમૃત રેડ્યું. વાતો કરી દુઃખી માતાનું દુઃખ અર્ધુ શાંત કરી દીધું અને તેનાં આંસુ સુકવ્યાં. એટલામાં સૌભાગ્યદેવી પણ ઉઠી અને વિનયસર બેઠી. આખરે સઉ બુદ્ધિધન પાસે ગયાં.
દયાશંકરના પગના ઘસારાથી જ બુદ્ધિધન જાગ્યો હતો. મંદવાડમાં તેના કાન સરવા થયા હતા. સર્વ વાતો તેણે જિજ્ઞાસાથી તથા તૃષ્ણાથી સાંભળી લીધી. સાંભળતાં સાંભળતાં ક્રોધ, દયા, દીનતા' અાશા, અને ઉત્સાહ એવી કંઈ કંઈ વિચારોની પાંખો ઉપર ચ્હડી તેના મનનિધિમાં પ્રતિબિંબ પાડતી પાડતી ઉડી ગઈઃ આખરે તે શાંત થયો, અને એટલામાં તે બધાં અંદર આવ્યાં.
દયાશંકર પથારી આગળ બેઠા અને બુદ્ધિધનના માથા ઉપર હાથ મુકી નાડી જોઈ બોલ્યા “કેમ, ભાઈ પ્રકૃતિ તો ઠીક છે કની ? મને તો કાંઈ સારો ફેર લાગે છે. માત્ર ત્હારા મ્હોં ઉપર જરા ગભરાટ છે.”
“ હા, કાકા, મને આજ જરી ઠીક છે. પણ માતુ:શ્રીએ તમને કહ્યા તે સમાચાર સાંભળી જીવ જરી ઉકળી આવ્યો. તમે જુવો છો કારભારી કેવો લુચ્ચો છે તે ! અાખું વાજું જ નફટ અને દુષ્ટ છે. હશે; ઘણું કરે તે થોડાને માટે.” એમ કહી બુદ્ધિધન કાંઈક ગુપ્ત ક્રોધ અને વિચારમાં પડ્યો દેખાયો.
“ભાઈ એ તો એમ જ હોય. આપણે કારભાર કરો ત્યારે સરત રાખજો.” એમ કહી દયાશંકર જરી હસ્યા. “બ્હેન, એમાં કંઈ ન થવા જેવું ન જાણશો, હોં ! આ જ કારભારીને ઘેર ધાન ખાવા ન હતું તે તમને ખબર છે. શા વારાફેરા થવાના છે તે કોઈને ખબર છે? તમારું