લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧

અસલનું 'કારભારી કુટુંબ'નું ખાનદાન, તે હતું એવું આજ પચાશ વર્ષે પાછું થાય તો એમાં ઈશ્વરને ઘેર શું અશક્ય છે ?”

બુદ્ધિધન ડોસીભણી જોઈ રહ્યો.

રંક વિધવા નિ:શ્વાસ નાંખી કપાળે હાથ દઈ બોલી: “ભાઈ, અમારે તો કારભારે નથી જોઈતો ને બારભારે નથી જોઈતો. લાખ મળવાના નથી ને લખેશ્વરી થવાનાં નથી. મ્હારે તો આ એક આંખ ઠારવા જેટલું ઈશ્વર રાખે તે ઈન્દ્રપુરી છે. દીકરો સારો થાય અને કંઈ રસ્તે પડે, અને આ જોડું સુખી થાય એટલે ગંગા ન્હાયાં. આ અવસ્થામાં વીતેલું. હું એટલેથી જ વિસારે નાંખીશ. પછી તો પરમેશ્વર મને તેડું મોકલે એટલું જ માગવાનું બાકી ર્‌હે.” માને એાછું આવ્યું તે તેના મુખ ઉપર દીકરાએ સ્પષ્ટ દીઠું.

“નિશ્ચિંત ર્‌હો. રુડાં વાનાં થશે. કેમ ભાઈ, બુદ્ધિધન?”

માનો નિ:શ્વાસ જોઈ વહુની આંખોમાં લાચારીનાં આંસુ જોઈ બુદ્ધિધન ધુણી ઉઠ્યોઃ-

“કાકા, તમારા મ્હોંમાં સાકર. અત્યારે તો મશ્કરી જેવું દેખાય છે. પણુ સરત રાખજે કે આ લુચ્ચા કારભારીયે અા અનાથ અને કુલીન મ્હારી માતુશ્રીને જે તરછોડ્યાં છે અને એના દુષ્ટ દીકરાએ મ્હારા કુટુંબને આવી રંક અવસ્થામાં જે અપમાન પહોંચાડ્યું છે તેનું વેર બુદ્ધિધન લેશે. ઈશ્વર ખોટામાંથી સારું કરે છે. વર્ષાસન ગયું તે સારું જ થયું છે. હું હવે કારભારીનો - ડબેલો નથી અને આવા ડબેલા ૨હી શું કરવું તે ઘાટ મને સુજતો ન્હોતો. પણ હવે મ્હારી ચિંતા દૂર થઈ છે અને હું સ્વતંત્ર – મ્હારો મુખત્યાર થયો છું. અાહા ઈશ્વર ! કારભારીયે મ્હારો રસ્તો મોકળો કરી દીધો. હવે હું સાજો જ થવાનો. મને જીવવાની ઈચ્છા પાછી થઈ છે. મ્હારાં વ્હાલામાં વ્હાલાં અા બે ૨ત્ન – તેની ખાતર હું શું નહી કરું ? હા, છું તો ગરીબ. મ્હારી પાસે નથી પઈસો અને નથી એવા મિત્ર. કારભારે પહોંચવું ન પહોંચવું એ તો ભાગ્યની વાત છે. પરંતુ આ કારભારીને તો પાયમાલ કરું જ - અને વળી તેને જ મ્હોંએ મને પોતાને સારો ક્‌હેવરાવું એવી મ્હારામાં તાકાત છે તે જગત જોશે. વેર–હવે રાતદિવસ મ્હારા કાળજામાં બળ્યાં કરવાનું અને એ આગ કારભારીના આખા ઘરને સળગાવી મુકી પછી હોલાશે ! હું પણ પુરૂષ છું - કારભારી કુટુંબમાં જન્મ્યો છું. આજકાલના આ ફાટી ગયેલા કારભારી જેવો નીચં કુટુંબને નથી. માતુઃશ્રી, હું તમારી કુખમાં ઉછર્યો છું. મ્હેં ચુડિયો નથી પ્હેરી !”