પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨

દાંત પીસતો; ઓઠ કરડતો, લાંબા હાડકા જેવા એક હાથે છાતી ઠોકતો અને બીજે હાથે મુછ ખેંચતો, ધ્રુજતો, ધ્રુજતો, અને પથારીમાં ઘડીયે ઘડીયે ઉંચો નીચો થતો થતો, ઘણું બોલવાથી અને ક્રોધ ચ્હડવાથી માંદો માણસ થાકી ગયો; તેના હાથ પ્હોળા થઈ પથારીમાં બે પાસ પાછા પડ્યા, અને તેની રાતી થયેલી આંખોમાં ડોળા થોડી વાર આમ તેમ ફર્યા અને અાખરે આવેશમાં ને આવેશમાં તેની આંખ મીંચાઈ. થોડીવારમાં ઘોરણ બોલવા માંડ્યાં અને આ જાગૃત અવસ્થાનું સ્વપ્ન બીલકુલ શાંત થઈ ગયું. માત્ર નિદ્રામાં પણ તેની ભમર ચ્હડેલી રહી હતી અને ઘડીયે ઘડીયે વાંકી ચુકી થઈ જતી હતી તે પરથી સ્પષ્ટ દીસતું હતું કે નિદ્રામાં પણ કાંઈક બલવાન્ સ્વપ્નમાં તે ધુંધવાય છે.

દિઙ્‌મૂઢ સઉ જણ તેના ભણી જોઈ રહ્યાં અને તેને ઉંઘેલો જોઈ આશ્ચર્ય અને વિચારમાં પડી સઉ ઉઠ્યાં.“ઉંઘવા દ્યો, ઉઘવા દ્યો એને ” એમ કહી દયાશંકર કેટલીક સૂચનાઓ કરી ઘેર ગયા. બુદ્ધિધનના શબ્દ ક્રોધ અને મંદવાડના લવારામાં ગણાયા. પરંતુ બીજે દિવસેથી વૈદ્ય પાછો આવતો થયો, તેના ઔષધનો ગુણ હવે વ્હેલો લાગવા માંડ્યો અને થોડા દિવસમાં બુદ્ધિધન ઘરમાં હરતો ફરતો થયો. મંદવાડ સમૂળગો ગયો અને નિશાનીમાં માત્ર વૈર અને ક્રોધના ધુંધવાટને પાછળ મુકતો ગયો. મધ્ય રાત્રિયે ઉત્પાતસૂચક ધૂમકેતુ આકાશમાં ઘણા દિવસસુધી દેખાયાં કરે તેમ એકાંતમાં પણ આ ક્રોધથી ચ્હડેલી ભ્રુકુટિ હમેશાં બુદ્ધિધનને કપાળે ચ્હડી આવતી, અને તે કારભારીનો નિઃસંશય વિનાશ સૂચવતી હતી. [૧]



  1. शत्रूणामनिशं विनाशपिशुन: कृद्धस्य चैद्यं प्रति
    व्योन्नेच भ्रुकुटिच्छलेन वदने केतुश्चकारास्पदम ॥ माघ, सर्ग १
    એ ઉપરથી સૂચિત.


પ્રકરણ પ.
બુદ્ધિધન. ( અનુસંધાન, સંપૂતિ.)

મ્હોટાંમાણસોનો ખોટો ડોળ ખરામાં ચાલ્યો જાય છે. અને ન્હાનાંની ખરી વાત ખોટામાં ચાલી જાય છે. રંક બુદ્ધિધનનો ક્રોધ જોઈ દયાશંકરને હસવું આવ્યું અને ઘરમાં સઉ તેની વાત જ ભુલી ગયાં. જે કારભારીને ત્યાં માનું અપમાન થયું હતું ત્યાં બુદ્ધિધન પ્રસંગે અપ્રસંગે પ્રથ-