લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪

કાંઈ લાભ કરે એમ ન હતું, તેમ બુદ્ધિધનની અવસ્થામાં કાંઈ એવું પણ ન હતું કે શઠરાયને કાંઈ બ્હીકનું કારણ ર્‌હે. તે તેનો સગો અથવા વેરી એમાંથી એક પણ ન હતો. જે વેર હતું તે માત્ર રંક અવસ્થાવાળા બુદ્ધિધનના અંતઃકરણમાં ગુપ્તરીતે બળ્યાં કરતું હતું અને તેને બાપ-દીકરે અજાણતાં સળગાવેલું હતું. સ્વાભાવિક સદ્ગુણ વિનાના માણસો બધે ઠેકાણે વિવેક રાખી શકતા નથી અથવા રાખવાનું કારણ જોઈ શકતા નથી. પરંતુ ઈશ્વર તો અજાણ્યે ઠોકર ખાનારના પગમાંથી પણ લોહી ક્‌હાડે છે અને અવિવેકનાં ફળ જાણ્યે અજાણ્યે દેખીતાં કે અણદેખીતાં પણ સર્વ જમીનમાં પોતાનાં મૂળ નાંખે છે. ફળ દેખાયે અજ્ઞાની માનવ કારણ ન સમજાવાથી ઈશ્વરને માથે આરોપ મુકે છે અને પોતાનો પાછલો અવિવેક ભુલી જાય છે અથવા તો તે અવિવેક અને તેનાં ફળનો સંબંધ જોઈ નથી શકતાં.

विवेकप्रध्वंसान्द्रवति सुखदुःखयतिकर: ॥ []

ધન્ય છે તેમને કે જેનાં અંતઃકરણ સ્વાભાવિકરીતે જ સદ્ગુણ અને વિવેકનાં કવચ ધારણ કરનાર હોય છે અને જેમની વિવેક-બુદ્ધિ દુ:ખના અંધકારમાં પણ અંતર્દીપ સળગાવી એકાંત આનંદનો પ્રકાશ ભોગવે છે ! શઠરાય અને દુષ્ટરાયને જોઈ તેમના અપરાધનો અવસર વિચારી, તેનાં ભાવિફળ અને પોતાનો કોપ વિચારી, કોપની શાક્તિના વખતમાં શાસ્ત્ર- સંસ્કારી બુદ્ધિધન વિસ્મય પામી આવા આવા વિચાર કરતો હતો.

એક સમયે કારભારીના ઘરમાં તેના મંડળની પાછળ બેઠાં બેઠાં બુદ્ધિધન અાજ વિચારમાં ગરક થઈ ગયો હતો. એટલામાં સઉ મંડળ ઉઠી ચા૯યું ગયું અને વિચારમાં ને વિચારમાં, નજર આગળથી સ્વપ્ન ચા૯યું જતું હોય તેમ આ સઉ મંડળનાં પ્રવાહને વહી જતો શૂન્ય નયનથી જોતો જોતો, બુદ્ધિધને એક બારીનાં પગથીયાં પર બેસી રહ્યો, ઉઠવું ભુલી ગયો, અને એકલો પડ્યો. એટલામાં વાસીદું ક્‌હાડનાર એક ચાકર સાવરણી વીંઝતો વીંઝતો આવ્યો અને તેણે હવામાં સાવરણી ઝાપટી માંહ્યનો કસ્તર ઉરાડ્યો કે બુદ્ધિધન ચમકીને જાગૃત-નિંદ્રામાંથી જાગ્યો. સર્વેને ગયેલ જોઈ આળસ મરડી, હળવે હળવે દરવાજા બહાર નીકળ્યો.

દરવાજામાંથી નીકળતાં એક રજપુત ગરાસીયો સામો મળ્યો. તેને માથે મ્હોટું કસબી લપેટાવાળું પાઘડું, હાથમાં રુપેરી હુકકો, કસકસી પ્હેરેલું ઝીણું : બુટ્ટા બુટ્ટાવાળું એક અંગરખું, કેડે બાંધી લીધેલા વસ્ત્રમાં જમૈયો, છરો, તરવાર અને એમ કેટલાંક હથીયાર બાંધેલાં, પગે કસકસેલો


  1. ૧. ચંડકૌશિક