પાયજામો જેને એડી ઉપર બોરીયાં ઘાલી દીધેલાં હતાં, અને રાતી ભરેલી મોજડીઓ આ સર્વ પ્હેરી ગરાસીયો બુદ્ધિધનના સામો આવતો હતો : તે ગરાસીયા પાછળ બીજે એક યા એથી સાધારણ ડોળનો ગરાસીયો, અને એક બે માણસ હતાં, સઉ મંડળ હળવે હળવે ચાલતું હતું. બુદ્ધિધનને જોઈ અગ્રેસર ગરાસીઓ બોલ્યો :
“કેમ, બુદ્ધિધનભાઈ, ક્યાં ચાલ્યા? કામદાર છે કે ?”
“પધારો, પધારો ભૂપસિંહજી ! કામદાર હમણાં જ ગયા.”
મ્હોં કસમોડું કરી ભૂપસિંહ બોલ્યો: “ઠીક ! ત્યારે અમને ફેરો શા માટે ખવરાવ્યો ? ઠીક, ભાઈ, ઠીક. આજ એનો પણ 'દી છે. બુદ્ધિધન, તમે કેમ હાલ દેખાતા નથી ? હવે અમારે ઘેરે કોઈ દિવસ આવતા ર્હો. કારભારીના ઘરમાં સોનું લાખ મણ હશે, પણ તમારે એમાંથી કાંઈ કામ આવવાનું નથી. આ કામદારને ઉમ્મરે જોડા ઘસવી નાંખશો તેના કરતાં અમારા જેવાને ઘેર કોઈ વખત આવતા ર્હો તો તમારા જેવાને અમે તો કાંઈ કામ લાગીયે હોં ! પછી તો, ભાઈ તમારી મરજી ! ”
“એમ શા વાસ્તે ? ઘણા દિવસથી હું પણ, તમારે ત્યાં આવવાનો વિચાર રાખું છું.”
હવેથી બુદ્ધિધને ભૂપસિંહ સાથે પોતાનો પ્રસંગ વધારવા માંડ્યો. ભૂપસિંહ રાણા જડસિંહનો પાસેમાં પાસેનો પિત્રાઈ હતો. સગીર વયને લીધે આજ સુધી તેના વંશનો ગરાસ રાણાના કારભારીયોના વહીવટ તળે હતો અને ગરાસનો વહીવટદાર તથા કારભારી મળી તેની ઉપજમાંથી ખવાય એટલું ખાઈ ગયા હતા. રાણાને પણ પીત્રાઈપણું સાચવવા ભણાવી મુક્યો હતો. અત્યાર સુધી ભૂપસિંહને ગરાસમાંથી જીવાઈ જોગ મળતું હતું અને સગીર ઉંમરમાં જીવ જોખમમાં ન રહે માટે તે મોસાળ જઈ રહ્યો હતો. હાલ તે ઉમ્મરમાં આવવાથી ગરાસનો સ્વતંત્ર વહીવટ પાછો મેળવવા તજવીજ કરતો હતો, અને જીવ જોખમમાં નાંખી સુવર્ણપુર આવ્યો હતો. પરંતુ તેને કોઈ દાદ આપતું ન હતું અને સઉ ધક્કેલે ચ્હડાવતા હતા: આથી રાણા અને કારભારીયો ઉપર તે મનમાં પુષ્કળ વેર રાખતો હતો પણ તે વેર નપુંસક હતું, કારણ તે કાંઈ કરી શકે એમ ન હતું. હલકા મુત્સદ્દીઓ પાસે બેસી કામ ફહાડવાના રસ્તા ખોળતો અને કારભારીને લાંચ આપવા વિના બીજો માર્ગ તેને કોઈ બતાવતું ન હતું. કારભારી અને તેના જુદા