લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭

પોતાનો મત મળ્યે ખુશી થતા અને શીરસ્તેદારને હોંશીયાર તથા સારાં માણસમાં ગણવા લાગ્યા હતા, શીરસ્તેદારની જગા ઉપર હાલમાં એક દક્ષિણી ગૃહસ્થ સદાશિવપંત નામનેા હતો. તે ઈંગ્રેજી સારું જાણતો, ચાલાક હતો, અને સાહેબનો મીજાજ જાળવી સ્વતંત્ર દેખાવ કરવામાં પ્રવીણ હતો. સાહેબની મહેરબાનીથી એક વખત તેણે શાન્તિગઢની દીવાનગીરી મેળવી હતી. પરંતુ સાહેબની મ્હેરબાનીથી આ પદ મળ્યું એટલે એ સંસ્થાનના ઠાકોર પ્રતિ પોતાનો કાંઈ પણ ધર્મ હોય એમ માનતો ન હતો. કેટલાંક કામમાં દરબારી માણસોની ગરજ પડતી તે વખત તેમને ખુશી કરતો હતો પણ ગરજ સર્યે તેમની પરવા પણ ન રાખતો. અાથી એક પણ મંડળ તેને પોતાના વર્ગનો ન ગણતું. ન્યુસ્પેપેપરોવાળામાં આ રીતથી તેણે નિષ્પક્ષપાત અને ન્યાયીપણાની કીર્તિ મેળવી હતી અને સાહેબ પાસે પ્રતિષ્ઠા વધારી હતી. અાથી એના સામી ફરીયાદ કરવાનાં દ્વાર સર્વત્ર બંધ થઈ ગયાં હતાં અને પોતાની ગુપ્ત ઈચ્છાઓ પુરી પાડવામાં અને લોભ તથા - ઉદ્ધતપણાનો પુરો અમલ કરવામાં, નિરંકુશ બની 'નામીચો સાહુકાર ૨ળી ખાતો હતો.' દેશી માણસો લાયક નથી અથવા તો સ્વતંત્રતા જાળવી શકતાં નથી અથવા તો તેમનું વજન પડતું નથી એવે એવે બ્‍હાને ઘણીક જગાઓ પરદેશી માણસોથી ભરી દીધી હતી અને તે પરદેશીયોમાં દક્ષિણીવર્ગ કરતાં બીજી જાતનાં માણસો જડી અાવ્યાં ન હતાં. આખરે ઠાકોર, દેશી મુત્સદ્દિવર્ગ, ગરાસીયાઓ અને રૈયત – સર્વેના તરફથી જુલમની બુમ ઉઠી. પરંતુ રાજ્યના અને ઠાકોરના શત્રુઓ સાહેબપાસે જતા અને પોતે દેશી છતાં દીવાનસાહેબના ન્યાયથી સંતોષી છીએ, એમ બતાવતા એટલે બીજા લોકોની બુમને સાહેબ ગણકારતા નહી. પણ એક વખત તો ઠાકોરને અપમાન મળવાથી સાહેબને જાતે મળી ફરીયાદ કરી અને કેટલીક ખટપટ જાગી. તેમાંથી સાહેબનો અભિપ્રાય એવો બંધાયો કે દીવાન પ્રમાણિકપણાને લીધે આ સર્વને 'મૅનેજ' કરી શકતો નથી એટલે તેને પાછો અસલ જગા ઉપર બોલાવી લીધો. તેનો 'જાત દ૨માયો' વધારી અાપ્યો, અને પ્રસંગ મળ્યો મ્હોટી જગા અપાવવા કહ્યું.

સાહેબની પાસે ન્યાયનું પણ કામ હતું. તે તથા રજવાડી કામ સંબંધમાં વકીલ મુખત્યારો રાખવામાં આવતા. બુદ્ધિધને સાહેબને મળી પોતાની બુદ્ધિથી ખુશ કરી સનદ મેળવી અને સ્વતંત્ર ગુજરાન જોગ પઈસો તથા એજંસીના અમલદારોમાં જવા આવવા જોગ મોભો મેળવ્યો. સદાશિવપંત સાથે મિત્રતા કરી અને ભૂપસિંહનું તથા તેનું ઓળખાણ કરી આપ્યું. પંતને સમજાવી દીધું કે ભૂપસિંહને જતે દિવસે ગાદી મળવાનો સંભવ છે