અને તરતમાં ગરાસ વાસ્તે કાંઈ ખરચી શકે એમ છે. પોતે પણ ધંધા પ્રસંગે સાહેબપાસે જવર અવર વધાર્યો અને ધંધામાં પોતાની પ્રામાણિકતા, ચાલાકી, અને વિવેકબુદ્ધિથી સાહેબની પ્રીતિ મેળવી. તે એટલે સુધી કે સઉની બાબતમાં સાહેબ પંતને પુછી ન્યાય કરતો, અને બુદ્ધિધનની હકીકત સાંભળે ત્યારે કોઈને પુછવાપણું રહેતું નહી. શીરસ્તેદાર અદેખાઈ કરી પોતાના કામમાં વચ્ચે ન પડે માટે બુદ્ધિધન તેને પણ પ્રથમથી મળતો અને તેનું મન રીઝવતો. અને એટલું કરવામાં પોતે કાંઈ દોષ કરે છે એમ તેના મનમાં ન આવતું. સદાશિવનો ભૂપસિંહ સાથે સંબંધ વધતો ગયો તેમ તેમ એને બુદ્ધિધનની આડખીલ લાગવા માંડી અને એને ખસેડી જાતે પરભાર્યો સંબંધ કરવા લાગ્યો. ઉદારતાની રીત બુદ્ધિધને ભૂપસિંહને શીખવી હતી અને એ શીખામણનો અમલ કરવાને પ્રત્યેક પ્રસંગે બુદ્ધિધનને પુછવામાં આવતું હતું તે બંધ થયું. બુદ્ધિધને આ સંબંધ બાંધી આપવામાં જુદો જ વિચાર કર્યો હતો. ભૂપસિંહને તરત ગરાસ મળશે તો તે મોજશોખમાં પડશે, તેના મનના ઉભરા નરમ પડશે, અને સાહેબ લોકોમાં તેનો પરિચય વધવાનો પ્રસંગ નહીં રહે, માટે ગરાસને બ્હાને તેને લીલાપુરમાં વધારે વાર રાખવો, સાહેબલોકોમાં તેને જતો આવતો કરવો, પોતે ત્રાહીત દેખાઈ સાહેબની પાસે તેનાં વખાણ કરવાં, અને શીરસ્તેદારો લાંબા તથા ઉદાર પરિચયની શરમે તથા અગાડીની આશાએ પ્રસંગ પડ્યે કામ લાગે, એવા એવા વિચારથી ગરાસ મેળવવાના ખરા ઉપાય બુદ્ધિધન મુલતવી રાખતો અને સર્વ પ્રસંગનો લાભ લેઈ ભૂપસિંહની સાધારણ સમજણ સુધારવાની મ્હેનત કરતો, તેવામાં સદાશિવ તરફથી આ અનર્થ થયો અને જે બુદ્ધિધને તેને લાભ કરી આપેલો તે જ બુદ્ધિધન અને ભૂપસિંહની વચ્ચે ભેદ પડ્યો. અા બાબત જાણે પોતાના કળ્યામાં ૫ણ આવી નથી એવો વેશ તેણે ધારણ કર્યો.
આ સર્વનો પ્રતીકાર કરવા અને ખોટામાંથી સારું ક્હાડવા હવે તેણે યુક્તિયો રચવા માંડી. 'સારો અર્થ અને સારાં સાધન'એ નિયમ તેણે સાંભળ્યો પણ ન હતો. સ્વભાવિક રીતે અંતઃકરણ શુદ્ધ હોવાથી હમેશાં સારાં સાધન ખોળતો, પરંતુ સારા અર્થને વળગી રહેવાથી જ તેનું અંતઃક૨ણ તૃપ્ત થતું અને 'સારે અર્થે ગમે તે સાધન' લેવું તેમાં તેને કાંઈ દોષ સમજાય એવો ઉપદેશ મળ્યો ન હતો અને એમ સુઝાડે એવું કાંઈ પણ તેના સંસારમાં ન હતું. સારાં સાધન મળ્યે ખોટાં સાધન લેવાની તેને જરુર લાગી. ભૂપસિંહના ઉપર પોતાની સારી અસર કરવી તરત તો છોડી દીધી