પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫

દાદરે ચ્‍હડતો જણાયો. કાણાંમાં જુવે છે એટલામાં વાંકા વળેલા નરભેરામે હાથ પાછળ રાખી નિશાની કરી રસ્તે જનાર આવનારને પણ ઉભા રાખ્યા. નરભેરામની સૂચનાથી પાડોશીનું ઘર ઉઘડાવી વંડેથી સઉ ચ્‍હડી ઉતર્યા અને ભૂપસિંહ તથા રમાબાઈ બેઠાં હતાં તે મેડીની જોડની મેડીમાં સઉ ભરાયા અને પાટીયાં ભરી દીધેલાં હતાં તેનાં વચાળાંમાંથી ત્રણે જણ જાતે અને સીપાઈઓ નજર કરવા લાગ્યા. સદાશિવની અાંખ ફરી ગઈ- લાલચોળ થઈ, તેના હોઠ ધ્રુજવા તથા ફરફડવા લાગ્યા અને ગાંડા જેવો દેખાયો. “મારું કે મરું” એ એનો નિશ્ચય થયો તે એણે જણાવ્યો. નરભેરામ પાછળ ઉભો ઉભો કાખલીયો કુટવા મંડી ગયો અને બુદ્ધિધનના કાનમાં કહે “હાશ ! ઠીક સ્વતંત્રતા લેવાય છે. મડમ સાહેબ સાહેબને લાયક છે.”

બારી બ્હાર લોકો વધારે ભરાયા અને શોર બકોર થયો. રમાબાઈનું ધ્યાન ખેંચાયું અને તેણે ભૂપસિંહને ખબર કરી. ગરાસીયો ચમક્યો, રાતો પીળો થઈ ગયો, મુછ પર હાથ નાંખ્યો અને લોક ઉપર આવે છે એમ સમજી એક હાથે રમાબાઈ ને બગલમાં ઘાલી બીજે હાથે તરવાર મ્યાનમાંથી અર્ધી બ્‍હાર ક્‌હાડી અને બોલી ઉઠ્યો, “ લુંડીયાં, ક્યાં કરને વાલી હેં – અા સદાશિવ જાતે આવે કની તો એને તો ખીસામાં ઘાલું અને તને મ્હારા ઘરમાં રાજબાની સાથે રાખું. મ્હારી તરવાર અચળ છે !” સદાશિવ ભયભીત થઈ ગયો, ક્રોધ ઉતરી ગયો, બુદ્ધિધનના હાથ વચ્ચે દયામણે મ્હોંયે પડી ગયો, અને બુદ્ધિધનને તેની ખરેખરી દયા આવી.

“સદાશિવ ! તમે આને નહીં પ્‍હોંચો. અત્યારે દીઠું ન દીઠું કરો. ગમે તો ગરાસીયો મારશે કે ગમે તો બાયડી ઝેર દેશે. ચાલો, લોકોને કહીયે કે કંઈ નથી એટલે વેરાઈ જાય અને ફજેતી બંધ થાય. સાહેબની પાસેથી બેચાર માસની રજા લેઈ દેશ જાઓ. દસ્તાવેજ ન જડ્યો કહીશું. દેશ જઈ રમાબાઈને ગમે તે કરજો. જીવ જોખમમાં ન નાંખો.” સઉ ગયા, લોકો 'હો ! હો !' ક૨તા વેરાયા. કેમ વેરાય છે તે અધઉઘાડી બારી કરી રમાબાઈએ જોયું, અને સઉની વચ્ચે પાઘડી ઉપરથી સદાશિવને ઓળખ્યો. સઉ ગયા પછી ભૂપસિંહ છાનોમાનો ઘેર ગયો અને રાજબા તો જાણે પોતાની જ હોય તેમ તેના ઉપર રોજની પેઠે અમલ ચલાવવા લાગ્યો. પણ રાજબાએ તો રુસણું લીધું. રમાબાઈની ફજેતી કોઈ માણસે રાજબાને કરી હતી અને તેણે ઠરાવ કર્યો કે હવે ઝગડો મચાવી બુદ્ધિધનને ઘેર બોલાવવો.

“ઠકરાળાં ! હુકકા ભરો.”