આ સમયે લીલાપુર આવ્યે બુદ્ધિધનને પાંચેક વરસ થઈ ગયાં હતાં.
સૌભાગ્યદેવીને વર્ષ દિવસની એક દીકરી થઈ હતી. પડોશમાં એક બંગાળી
બાબુ મુસાફરીએ આવેલો રહેતો હતો તેની વહુનું નામ સઉને નવું નવું
લાગતું હતું અને ગમી ગયું હતું એટલે તે ઉપરથી ડોસીએ દીકરીનું નામ
અલકકિશોરી રાખ્યું. વળી થોડાક દિવસ થયાં એક પુત્ર પ્રસવ્યો હતો. તેની
રાશિ પપ્પા ઉપર હતી. એટલે બાપના નામ સાથે મળતું આણવાને 'પ્રમાદધન
નામ રાખ્યું. છોકરો ન્હાનપણુમાં માતુ:શ્રીના ખોળામાં હાલવા ચાલવા
વગર ઘેનમાં પડી રહેતો એટલે પ્રમાદધન નામ બાપને પણ ગમી ગયું. આ
સર્વ વર્તમાન પછી બુદ્ધિધનને શીરસ્તેદારની જગા મળી જોઈ માને સંતોષ
થયો અને પોતાને ભાગ્યશાળી ગણતી ડોસી પુત્ર પૌત્ર અને વહુની નજર
આગળ ગુજરી ગઈ અને ગુજરતાં પ્હેલાં દીકરાયે, હવે કારભારની
બાબતમાં જીવ ઉંચો ન રાખવા, માને કહ્યું કે તેનો જીવ ગતે જાય.
દીકરાવહુને માતુ:શ્રી ગયા પછી ઘર સુનું લાગવા માંડ્યું અને બન્નેને ઘણું દુ:ખ થયું. પણ દીકરાને કચેરીના કામમાં અને વહુને છોકરછૈયાંની જંજાળમાં સઉ ભુલી જવું પડ્યું. ચકોર, બુદ્ધિશાળી, અને ડાહ્યાં માતુ:શ્રી વગર છોકરાં બરોબર ઉછરવાનાં નથી એ વિચાર બુદ્ધિધનના મનમાં ઘણી વાર ઉઠતો. પોતાને એ બાબતમાં કાંઈ કરવા નવરાશ ન હતી, અને સૌભાગ્યદેવી પતિવ્રતા અને હેતાળ હતી પરંતુ સંસારવ્યવહારમાં તેની બુદ્ધિ ઝાઝી ચાલતી નહીં અને ડોશી હતાં ત્યાંસુધી કાંઈ ચિંતા માથે પડી ન હતી. ડોશી પાસે ઘરકામમાં માહેર થઈ હતી પરંતુ છોકરાં કેમ ઉછેરવાં તે શીખવાનો પ્રસંગ આવ્યો ન હતો અને પોતાને ઉછેરી તે સરત રાખવા જેટલી બુદ્ધિ ન્હોતી તો પોતાની મેળે ચલાવવા જેવી બુદ્ધિ તો ક્યાંથી હોય ? તે બીચારી સાદી, ભોળી, સારા વિચારની, સાધારણ સમજવાળી, અને જગતને સાસુ ને વરના જેવાં સારાં માણસોથી ભરેલું માનનારી હતી. પતિવ્રતાપણું તેને સ્વાભાવિક થઈ ગયું હતું અને જગતની ગાડી પોતાની મેળે જ ચાલી જાય છે તેને ધકેલવાની જરુર કદાપિ પણ પડતી હશે એનું તેને ભાન પણ ન હતું. આવી સ્ત્રીથી બુદ્ધિધન પોતાને સુખી માનતો. શીરસ્તેદારની જગા અને આવો નિષ્કંટક સંસાર એ બે જેટલા દિવસ નભ્યાં ત્યાંસુધીના જેવા દિવસ બુદ્ધિધનના આખા જીવતરમાં પહેલાં કદી જેવામાં આવ્યા ન હતા. કચેરીમાંથી આવ્યા પછી વહુની પાસે બેસી છોકરાંને રમાડતાં રમાડતાં, રાત્રે ઉંઘેલાં છોકરાંનાં મ્હોં ન્યાળી ન્યાળી દેવી સાથે આનંદ ભોગવતાં, સવારે પવનની મીઠી લ્હેર બારીમાં આવતી હોય તે વખતે તેના ગાલ ઉપર