પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮


કોમલ હાથ મુકી દેવી જગાડે અને છોકરાંને હળવે રહી જાગે નહીં એમ આઘાં ખસેડી ઉઠતાં ઉઠતાં – આવા રમણીય દિવસો ફરી આવવાના નથી એ વિચાર ઘણી વાર બુદ્ધિધનને થતો અને તે વિચારના આનંદનો ઉભરો સૌભાગ્યદેવીને અથવા છોકરાને આલિંગન થઈ ક્‌હાડતો.

સદાશિવપંત રજા ઉપર ગયો અને પોતાના દેશમાં એક સારી નોકરી શોધી ક્‌હાડી. બાસ્કિન સાહેબે સારું સર્ટીફીકેટ મોક૯યું, અને બુદ્ધિધનને કાયમ કર્યો. રજવાડાઓમાં એનું માન વધ્યું. ભૂપસિંહનો અને એનો સંબંધ તુટ્યો હતો એટલે સુવર્ણપુરમાં પણ આ નીમણુંક પસંદ કરવામાં આવી અને ત્યાંના મંડલ સાથે બુદ્ધિધને સંબંધ વધારવા માંડ્યો. પ્રસંગે પ્રસંગે નવા શીરસ્તેદારે સુવર્ણપુર જવા માંડ્યું અને કારભારી મંડળ તરફથી માન અને પઈસા મળવા માંડ્યા. દુષ્ટરાય તેની ખુશામતમાં અગ્રેસર થયો અને જડસિંહના દરબારમાં શઠરાયની જોડની જગા ઉપર તેને બેસાડવામાં આવતો. પ્રસંગે પ્રસંગે સઉની પાસે બુદ્ધિધન પઈસા ક્‌હડાવતો અને આ દુષ્ટ લોકો સાથે આવો વ્યવહાર રાખવામાં તેને કાંઈ અણઘટતું ન લાગતું. વળી આ સઉનો લાભ લઈ સુવર્ણપુરના રાજમહેલની ખટપટો જાણી લેવાય એવા સંબંધ બાંધવા માંડ્યા અને તે કાર્યમાં શઠરાય પાસેથી મળતા દ્રવ્યનો ઉદાર હાથે ઉપયોગ કરતો. હજુ સુધી શઠરાયનો સંપૂર્ણ વિશ્વાસ તેના ઉપર થયો ન હતો.

જડસિંહને એક મોટો દીકરો પર્વતસિંહ નામનો હતો. શઠરાય તેને તેનાં ખરાં માબાપ બતાવી ક્‌હાડી મુકાવવાની ધમકી આપી કબજામાં રાખવાનું કરતો તેથી તે કંટાળેલો હતો. શઠરાયના પ્હેલાંના કારભારીનો દીકરો ગરબડદાસ નામનો આજ વહીવટદાર હતો અને તેણે પર્વતસિંહને સાધ્યો હતો. ગરબડદાસ ઘડીયે ઘડીયે લોકો પાસે શઠરાય સામે સરકારમાં અ૨જીઓ કરાવતો અને રાજમહેલમાં રાણીયો અને ગોલાઓ પાસે કંઈકંઈ ખટપટ ઉભી કરાવતો. આ લોકોએ પણ બુદ્ધિધનને સાધવા માંડ્યો. ભૂપસિંહને ગાદીએ બેસવામાં આ ખોટા પર્વતસિંહની આડખીલ હતી. બુદ્ધિધને પોતાની પાસે આવતી ખટપટનો ભેદ શઠરાયને તેનો પોતાનો થઈ જણાવ્યો અને ત્યારપછી શઠરાયને બુદ્ધિધન ઉપર વિશ્વાસ ચ્હોંટ્યો; પોતાની ખાનગી બાબતોમાં તેની કંઈક સલાહ લેવા લાગ્યો, અને કામનો માણસ ગણી દરબારમાંથી પઈસા ખવડાવવા લાગ્યો. શઠરાયે આખરે પર્વતસિંહનું કાટલું કરાવ્યું અને ગરબડદાસને બરતરફ કર્યો. ગરબડદાસ બુદ્ધિધન ઉપર વિશ્વાસ રાખતો, કારણ પોતાનો ભેદ એનાથી ફુટ્યો હશે તેની એને ખબર ન હતી.