હવેથી ગરબડદાસ પોતાની વાતો તથા શઠરાયની વાતોની બાતમીં બુદ્ધિધન
પાસે મુકતો. શઠરાય એમ સમજતો કે બુદ્ધિધન મ્હારું માણસ છે અને
ગરબડદાસ સાથે માત્ર ઠગાઈનો સંબંધ રાખે છે. બુદ્ધિધન આ બન્ને લુચ્ચાઓને
ઠગવામાં પાપ ન ગણતો અને પોતાનું છેવટ કાર્ય વ્યાજબી હતું એટલે
शठं प्रति शाठ्यं कुर्यात् એ ધોરણને અનુસરતો.
હવે પર્વતસિંહ ગયો એટલે જડસિંહને બીજો કુંવર ઉભો કરી આપવાની જરુર કારભારી મંડળને લાગી. માત્રાઓ, ધાતુઓ અને રસાયણો ખાઈ ખાઈ આતિભોગ કરી કરી જડસિંહે પુરુષત્વ હીન કરી દીધું હતું અને રાણીયો યથેચ્છ વર્ત્તતી હતી. કોઈ પણ રાણીને ખરો પુત્ર થાય તો તે રાણીનું તેમ જ તેના યારનું જોર વધે અને પોતાનું જોર કમી થાય એ શઠરાયને અનિષ્ટ હતું, અને પોતાના કબજામાં રહે એવો ખોટો પુત્ર ઉભો કરવા તેણે યુક્તિયો કરવા માંડી. આ વાત બુદ્ધિધનને કાને આવી હતી પરંતુ કારભારીયોની મારફત આવી ન હતી. ભૂપસિંહ સાથે ઉઘાડો સંબંધ પોતે રાખી શકે એમ ન હતું તેમ એ માણસ બીજાના હાથમાં જાય એ સારું નહી એ અનુભવે સિદ્ધ કરી આપ્યું હતું. કારભારી મંડળથી વિરુદ્ધ ન દેખાવું પણ વિરોધ કરવાનાં સાધનની આવશ્યકતા હતી. ગરબડદાસ કાંઈ કામ પ્રસંગે લીલાપુર આવ્યો ત્યારે બુદ્ધિધનને મળ્યો અને બે જણ ભૂપસિંહને મળ્યા. રાણીની ઈચ્છા શિવાય ખોટો પુત્ર થાય નહી માટે તે કાર્યમાં પટરાણીને સામીલ કરવા યુક્તિયો ચાલતી હતી તે ગરબડદાસે કહ્યું. પર્વતસિંહ ગયો એટલે ભવિષ્યનો લોભ કરી સુવર્ણપુર ખાતે ભૂપસિંહના ગુપ્ત દૂતનું કામ કરવા ગરબડદાસે માથે લીધું અને ભૂપસિંહને હાથમાં લઈ શકે નહીં એમ છેટે રહી તેનું કામ કરનાર માણસ મળ્યું જોઈ બુદ્ધિધનની ઈચ્છા સફળ થઈ. ગરબડદાસને સલાહ પુછવાનું ઠેકાણું બુદ્ધિધન થયું.
જડસિંહની પટરાણી ઉંચા કુળની હતી અને કારભારીયોની ખટપટ પસંદ કરતી ન હતી. પરંતુ આખરે તે લોભમાં લેવાઈ અને જગતમાં પ્રસિદ્ધ થયું કે તેને દિવસ છે. ભૂપસિંહ અને ગરબડદાસ ઉપરાઉપરી સાહેબ પાસે અ૨જીયો કરવા લાગ્યા કે સીમંત ખોટું છે, પણ કારભારીયો મુછે તાલ દેઈ ફરતા પરંતુ મનમાં ડરતા. એક પ્રસંગે શઠરાય લીલાપુર આવ્યો અને બુદ્ધિધનની પરીક્ષા કરવા વાત ક્હાડી, અને ગરબડદાસની અ૨જીઓ બાબત ફરીયાદ કરી. બુદ્ધિધન ક્હે, “જખ મારે છેઃ એમ તો હાથી પછવાડે કુતરાં ઘણાં ભસે. આ તો ઠીક છે કે આપણી વાત સાચી છે, પણ કોઈ વખત એવોએ હોય કે આપણે એમ કરવુંએ પડે. આપણે પણ આપણો સ્વાર્થ