પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧

જુદો રસ્તો સુઝાડ્યો હતો. દુષ્ટરાય ફોજદાર હતો એટલે ગામ પરગામ ફરવા જતો અને ઘરમાં રુપાળીવહુ સાથે મેરુલો નામનો રજપૂત સીપાઈ ર્‌હેતો. ઘરમાં એકાંત પડે એટલે મેરુલો દુષ્ટરાયના શૃંગારગૃહમાં બીરાજતો. ચિકિત્સાખોર નરભેરામને આ બન્ને નાટક કંઈક જોયામાં અને બાકી સાંભળ્યામાં અાવ્યાં હતાં અને બુદ્ધિધનને તેણે કહ્યાં હતાં. બઈરાંના વિશ્વાસુ, પુરુષોના વિશ્વાસુ થઈ ગયા હતા. જમાલખાનપર શઠરાયનો અને મેરુલા ઉપર દુષ્ટરાયનો વિશ્વાસ હતો અને પટરાણીને છુટા છેડાના દિવસ પાસે આવ્યા એટલે કુંવર શોધવાનું કામ આ બન્ને વિશ્વાસુ ગૃહસ્થો ઉપર પડ્યું. જમાલખાન અને મેરુલો સ્વાભાવિક રીતે એકબીજાના પ્રતિસ્પર્ધી હતા અને આ કામમાં વધારે થયા. જમાલખાને એક તરકડીનો છોકરો શોધી ક્‌હાડ્યો અને મેરુલાએ એક કોળી શોધી ક્‌હાડ્યો. તરકડો રુપાળો હતો અને શઠરાય પાસે જમાલખાનનું ચાલતું હતું માટે તરકડો પસંદ પડ્યો અને મેરુલો નિરાશ થયો.

બુદ્ધિધનની સૂચનાથી ગરબડદાસે આ બે જણા સાથે પરિચય કર્યો હતો અને એક દિવસ મેરુલો ખીજવાયલો નિરાશ બનેલા ગરબડદાસ સાથે ગપ્પાં મારવા બેઠો અને વાએ ચ્‍હડ્યો તેમાં કાંઈક લવી ગયો. લાલચ આપી વધારે ભેદ લીધો. એકદમ ગરબડદાસ લીલાપુર આવ્યો અને બુદ્ધિધનની સલાહ અને સૂચનાઓ વધતી ગઈ અા તક ન જવા દેવી – વખત ખોવો નહીં એમ ઠરાવ થયો. સાહેબની પાસે અરજી થઈ અને તેમાં ભૂપસિંહે બંદોબસ્ત માંગ્યો. એકદમ સવારો મળતાં તેને લઈ ભૂપસિંહ અને ગરબડદાસ જડસિંહને મ્હેલ ગયા, સાહેબનો કાગળ દેખાડી અંદર ધસ્યા, અને જડસિંહ સાથે એકાંત માગી જડસિંહને સમજાવ્યો: “સાહેબને બધી ખબર પડી છે. તમે આ કામમાં સામીલ રહેશો તો જીવતાં ગાદી જશે. મરતાં ગાદી કોને જાય તેની તમારે શી ચિંતા છે? પિતરાઈને મુકી તરકડાને ગાદી જાય તેમાં તમારી આબરુ નથી – અને પરલોકમાં તમને લાભ નથી. કાલ સવારે તમારે ખરો છોકરો થશે તો તેને મુકી ખોટાને સોંપવું પડશે. અમને સાહેબે મોકલ્યા છે. દેવો હોય તે જવાબ દેજો. તમે જાણો. તમારે માથે જુમ્મો છે.” જડસિંહ સાહેબનું નામ સાંભળી ગભરાઈ ગયો. કાગળમાં સાહેબના નામનો શેરો હતો અને ભૂપસિંહની વાત સાંભળી તેને યોગ્ય ખુલાસો કરવામાં આવશે એવી આશા બતાવી હતી. જડસિંહ કહેઃ “આ બાબત હું કાંઈ જાણતો નથી. કારભારીને પુછી જોઈશ, અને ખુલાસો લખી મોકલાવીશ. ભૂપ-