"આ બાબત સાંભળી હું ઘણો દીલગીર થયો છું. મ્હારે તમને ક્હેવું જોઈયે કે આ ખટપટમાં તમારા કારભારીયો સાથે તમે પણ સામીલ હશો એવો વહેમ આણવાનું અમને તમારા તરફથી મજબુત કારણ મળ્યું છે. અા વખત તો આ બાબત સરકારમાં લખવામાં નથી આવતું પણ બીજી વખત આવો પ્રસંગ આવશે તો તમારા હકમાં સારું નહી થાય એ યાદ રાખવું. વળી તમને સૂચના કરવામાં અાવે છે કે હવેથી તમારા અંતઃપુરમાં કોઈપણ રાણીને દિવસ હોય તો પ્રથમથી અા એજંસીમાં સમાચાર આપવામાં આવે. આ સૂચનાનો અમલ કરવામાં કાંઈ પણ શિથિલતા દેખાડવામાં આવશે તો તમારા વિરુદ્ધ શંકા સબળ થશે અને સરકારને ખબર કરવામાં આવશે. માટે આશા રાખવામાં આવે છે કે અા વિશે તમારા કારભારીયો તરફથી સખત બંદોબસ્ત થશે. આ તુમારની નકલ એજંટના ખાસ દફતરમાં રાખવામાં આવશે.”
આ પત્રથી સર્વ મંડળ નરમ બની ગયું અને તેના ઉત્તર પ્રત્યુત્તર થોડાક થયા પરંતુ મૂળ પત્રના અસરનો પટ સઉના મનમાં કાયમ બેસી ગયો.
કારભારીની અા સઉ વાત તથા ત્યાર પછી થતી સઉ બાતમી મેળવવાનાં સાધન હવે બુદ્ધિધને ગરબડદાસ મારફત કરી આપ્યાં અને શઠરાયે અાપેલા રુપીયા તેનું જ ઘર ફોડવાના કામમાં લાગવા માંડ્યા. નવો કુંવર કરવાનો વખત આવતા પહેલાં કોણ જાણે કાંઈ ખટપટથી કે કોણ જાણે કાંઈ રોગથી જડસિંહ અચિન્ત્યો ગુજરી ગયો. તેની બાતમી એકદમ લીલાપુર પ્હોંચી, અને સુવર્ણપુર ઉપર જપ્તી બેઠી. ૨ાણીયોના મહેલ, તીજોરી, દફતરખાનું, સઉ ઠેકાણે ચામડાનાં અને જીવતાં તાળાં દેવાયાં. ભૂપસિંહને રાજય મળવાની સામગ્રી ચાલવા માંડી. તેના ઝુંપડા જેવા ઘર આગળ ચોબદારો અને અમલદારો જઈ ઉભા રહેવા લાગ્યા. પોતે કરેલા અપરાધ માફ કરાવવા શઠરાય જાતે બુદ્ધિધનને ત્યાં ફેરા ખાવા લાગ્યો. ગરબડદાસનો દોર વધ્યો. મહા-સંપત્તિનો સૂર્ય ઉગતો જોઈ બુદ્ધિધનની ગંભીરતા ખસી નહી અને તેના મનના ઉદ્યોગને ઉત્સાહને ઉભરે ઢાંકી દેવાયો નહીં. તે મોહમાં પડ્યો નહીં, ઉતાવળો થયો નહી, અને અાંધળો બન્યો નહી. સંપત્તિના સૂર્યને વગર ઝાંઝવે, વણ અંજાયે, સ્થિર વૃત્તિથી જોવા લાગ્યો. ભૂપસિંહની સંપત્તિ સાથે એને સંબંધ છે તે એના અને ભૂપસિંહના વિના બીજું કોઈ જાણતું નહીં. સર્વની અાંખે એ ત્રિકાળમાં શીરસ્તેદાર જ ભાસતો.
સાહેબના તરફથી અભિનંદન પત્ર લેઈ બુદ્ધિધન ભૂપસિંહને મળ્યો. ભૂપસિંહનું અંતઃકરણ ઉપકારથી ભરાઈ આવ્યું.. “ મ્હારા રાણા !