લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪

“સુવર્ણપુરના સ્વામી !" એટલા શબ્દ ગદ્‌ગદ કંઠે બોલી બુદ્ધિધન હર્ષનાં અાંસુ સારતો ભૂપસિંહના સામું જોઈ ઉભો રહ્યો. ભૂપસિંહ એકદમ તેને ભેટી પડ્યો અને જોરથી બાઝ્યો. “બુદ્ધિધન ! તમારે લીધે આ દિવસ અાવ્યા ! તમારો અાભાર મ્હારાથી નહીં ભુલાય ! હા ! હવે હું રાજા અને તમે પ્રધાન, અને પાછલા દિવસ ભુલી નવા દિવસ બન્ને જણ જોઈશું.” નવા રાણાના મનના અા વેગને તેમ જ પ્રસંગે સ્મરણમાં આણેલા પોતાના વૈરભાવને મનસ્વી પુરુષે રોકી રાખવાનું યોગ્ય ધાર્યું. અભિષેકકાળનું મંગળાચરણ કોઈનું નુકસાન કરી કરવું, નવો રાણો પોતાની ખાનગી સ્થિતિનાં જુનાં વેર તાજા કરશે એ આશા સાહેબના મનમાં ઉત્પન્ન કરવી, અને સત્તાથી ન ખસેલા જુના અમલદારોની મનમાંની બ્‍હીક ખરી પાડી તેમને બુમાટો કરવાનું દેખીતું કારણ આપી તેમની પ્રપંચબુદ્ધિના વીર્યને ઉત્તેજિત કરવું : આ અને બીજાં પરિણામોના વિચાર બુદ્ધિધનના મગજ અાગળ તરી આવ્યા અને તે પરિણામો ન થાય એવો તેણે માર્ગ પકડ્યો. “કાલે તમે સાહેબને મળવા આવો, લીલાપુરમાં રહ્યા તેના સ્મરણવાસ્તે અહીંયાં ઈંગ્રેજીશાળા ક્‌હાડી અને સુવર્ણપુરમાં “બસ્કિન્ બાગ” કરાવી તમારા અભિષેકનું મંગળાચરણ કરવાની વાત ક્‌હાડો, જુના અમલદારોને કાયમ રાખવાનો વિચાર જાણવો, અને તમારે વિશ્વાસ રાખી શકવા લાયક પ્રમાણીક અને સારું બ્‍હારનું માણસ તમારા અંગનું કરી રાખવા સાહેબ પાસે માગો, અને બુદ્ધિધન ઉપર આપનો વિશ્વાસ અનુભવથી થયો હોય તો તેને આપો નીકર બીજા કોઈને” એમ સૂચના કરો; ”આ રીતે બુદ્ધિધને કહ્યું. તે પ્રમાણે થયું. ભૂપસિંહ વાસ્તે બાસ્કિન સાહેબનો અભિપ્રાય ગરાસના પ્રસંગમાં કાંઈક ઠીક બંધાયો હતો અને તેની અવસ્થા જોઈ દયા ઉપજી હતી. તેમાં અા પ્રસંગે તેના મુખમાંથી આવા સારા વિચાર નીકળતા જોઈ સાહેબ ઘણા જ પ્રસન્ન થઈ ગયા, તેને વાસ્તે સરકારમાં બહુ સારો રીપોર્ટ કર્યો, જોઈએ તેટલી મદદ આપવા સ્વીકાર્યું, પોતાની અાફીસનો બંદોબસ્ત કરી બુદ્ધિધનની મરજી હોય તો રાણાની નોકરીમાં તેને જ જવા દેવાની હા કહી, અને સરકારનો હુકમ આવતાં સુવર્ણપુર જઈ ઠાઠમાઠથી અભિષેક કર્યો. આ પ્રસંગે મુંબાઈના વર્તમાનપત્રોવાળાઓને બુદ્ધિધનની સૂચનાથી બોલાવવામાં અાવ્યા હતા. તેમની ખાતર બરદાસ્ત અચ્છી રીતેથી કરી. પરાયા માણસ તરીકે બુદ્ધિધન તેમને મળતો અને રાણાનાં વખાણ કરતો. મુંબાઈનાં ઈંગ્રેજી અને દેશી સઉ પત્રોમાં રાણા ભૂપસિંહના રાજ્યાભિષેકની લાંબી લાંબી અને છટાદાર હકીકત આવી, તેની બુદ્ધિ વગેરેનાં વખાણનાં બણગાં ફુંકાયાં, અને જગતના ઘણા ભાગે સઉ ખરું જ માન્યું.