નથી. પરંતુ તેના લખાણનું વજન સરકાર અને લોકમાં કેવું રહે છે તે પ્રસંગ પડ્યે બતાવીશ.”
"રસલ સાહેબ લશકરી માણસ નથી. બાસ્કિન્ સાહેબની પેઠે તેમનું અંત:કરણ સમઝાય એમ નથી. કોઈને નકામું અપમાન આપવું અથવા નઠારાને નઠારો ક્હેવો એ એમની પ્રકૃતિ નથી. શઠરાયના ઉપર એમનો વિશ્વાસ છે એમ આપની અને જગતની જાણમાં છે પણ સાહેબ ઉંડા છે. તરકડીના છોકરા બાબતનો ઠરાવ ખાસ દફતરમાં છે. તે સાહેબના જાણવામાં છે. એ બાબત આ લીલાપુરથી કાગળ આવ્યો છે તે નિરાંતે વાંચજો.”
"પ્રજાનો પોકાર સાહેબ પાસે કાંઈક ગયો છે. આપ જશો ત્યારે સાહેબ એ વાત ક્હાડશે. કારભારીની નિંદા કર્યા સિવાય ખરી વાત કેમ કરવી તે હું કાલ વિચારી ક્હાડીશ. હાલના સર્વ કારભાર બાબત જુમ્મો કારભારીને શિર છે.”
“પેલા વાણીયાના કામમાં કરવતરાયે જુલમ કર્યો તે બાબત વાણીયાને સાહેબ પાસે મોકલવા યુક્તિ કરી છે, વાણીયાને લાભ કાંઈ નહી થાય પરંતુ એ કામ સરકાર મારફતે આપની પાસે આવશે એ ઠીક પડશે.”
“હળવે હળવે દરબાર અને મ્હેલમાંથી સઉ જુનાં માણસોને વધારે પગારે દૂર ક્હાડ્યાં છે અને નવાં માણસ આપણાં છે એ આપને ખબર છે. શઠરાય તેમને પોતાનાં કરવા મથે છે અને જો એ સઉ વાત એમની જ મારફત આપણી પાસે આવે છે.”
“ગરબડદાસનો કેવો ઉપયોગ થવાનો છે તે આપને ખબર છે. એ ઉપયોગ કરવાનો વખત હવે આપની ઈચ્છા છે તો આવે છે. તમે સાહેબને મળી આવો એટલે સઉ વાત ઉપાડીયે.”
'રીપોર્ટ' પુરો થઈ રહ્યો એટલે રાણાએ આળસ મરડ્યું અને મ્હોં મલકાવી ઉભો થયો. બુદ્ધિધન પણ ઉભો થયો અને ઉઠતાં ઉઠતાં બોલ્યો “આપણી પાસે ખેલનાં બધાં સાધન છે. ખામીમાં એક ઈંગ્રેજી ભણેલો અને ગણેલો માણસ જોઈયે.”
“ઠીક, ઠીક, એ તો હવે જોજો. સરત રાખજો કે શઠરાયને બીજાં બે ચાર વરસ ન મળે.”
“રાણાજી, ધીરજ રાખો. વખત આવ્યે પ્રસવ એકદમ થાય છે અને જગત જાણે છે, પણ માના પેટમાં ગર્ભ પાકતાં નવ માસ લાગે છે અને તે ક્રિયા શી રીતે થાય છે તે કોઈથી સમઝાતું નથી. લીલાપુરમાં કેટલાં વર્ષ થયાં ત્યારે ગાદી મળી ? ”