પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના.

આજકાલ પૃથ્વી ઉપર એવો સમય આવ્યો છે કે કીર્તિ અમર કરવાનાં સાધન દિવસે દિવસે શક્તિહીન થતાં જાય છે. માનવીની રુચિ કાલ ન હતી એવી આજ થાય છે, અને અાજ નથી તેવી કાલ થશે. ભવિષ્યમાં એ રુચિને કીચો પદાર્થ પ્રિય લાગશે એ વર્તમાન કલ્પવું પણ કઠિણ છે. પ્રતિદિવસે વધતા શોધોના આ સમયમાં શાસ્ત્રીય ગ્રંથો પણ આજના કાલ નિરુપયોગી થાય છે, તેમ અપૂર્વ ત્વરાથી નિત્ય નવી થતી રુચિના અા સમયમાં સ્વભાવે ક્ષણજીવી નવલકથાઓ દીર્ઘાયુ થાય અને લખનારને ભવિષ્યકાલ સાથે કીર્તિની સાંકળથી સાંધે એ ધારણાથી અનુભવનો બોધ વિરુદ્ધ છે. નાટકોને દ્રષ્ટિમર્યાદામાંથી ખસેડી પાડી તેને સ્થળે માનવીના હાથમાં નવલકથાઓ ઉભરાવા લાગી છે, એ જ અાનું દૃષ્ટાંત છે. ગ્રંથકારના હૃદયમાં કીર્તિનો લોભ અામ નિષ્ફળ અને નિર્જીવ લાગે એ પણ વર્તમાનકાલની એક ઉત્સાહક દશા છે. માલનું મૂલ્ય તેના ઉપયોગીપણા ઉપર આધાર રાખે તો તે ઇષ્ટાપત્તિ છે, અને કીર્તિએ છેડી દીધેલા અાસન ઉપર તે ઇષ્ટાપત્તિની સ્થાપના થાય તો સાહિત્યનો ફલવિસ્તાર સ્થિર મહત્તા ભોગવે એ ઘણે અંશે સંભવિત છે. પરંતુ પાશ્ચાત્ય–દેશોની અવસ્થા અને આપણા દેશ પર પડતી તેની છાયા પ્રધાનભાગે એવી છે કે સંગીન ઉપયોગ ભુલી બાહ્ય સુંદરતાની પ્રત્યક્ષ માયાથી માનવી મોહ પામે છે, અને આથી પ્રધાન વસ્તુને ઠેકાણે ગૌણ વસ્તુનું આવાહન થાય છે. ખરી વાત છે કે, રસના–પ્રત્યક્ષ માયાથી અંતર તત્ત્વ સ્વાદિષ્ટ બની માનવીના અંતર્માં વધારે પચે છે; માયાની સુંદરતા ચિત્તની રસજ્ઞતાને અતિસૂક્ષ્મ, ઉચ્ચાભિલાષી અને વેગવાળી કરી મુકે છે; અને તેથી નવો અવતાર ધરતા મનુષ્યના જીવનને અને અન્ય પ્રાણીઓનો ભેદ વધારે વધારે. સ્પષ્ટ થતો જાય છે. પરંતુ માયાનો લય તત્ત્વમાં થઈ જાય છે. - માયા એ માત્ર તત્વની સાધક છે – માયાનો લક્ષ્ય અંત તે જ તત્ત્વનો આરંભ હોવો જોઈએ – માયાનું અંતર્ધાન થતાં તત્ત્વનો આવિર્ભાવ થવો જોઈએ – માયા - અંડ કુટતાં તત્ત્વ–જીવ સ્ફુરવો જોઈએ; એ વાત ભુલવી જોઈતી નથી. સુંદર થવું એ સ્ત્રીનું તેમ જ નવલકથાનું લક્ષ્ષય છે, પરંતુ એ લક્ષ્યની સંપત્તિ તે માત્ર કોઈ બીજા ગુરુતર લક્ષ્ય પામવાનું પગથીયું છે – એ પગથીયે ચ્હડીને પછી ત્યાં અટકવાથી તે ચ્હડવું નકામું થાય છે – હાનિકારક પણ થાય છે.