પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭

વસાણાં ચાલવા માંડ્યાં હતાં પણ ગુણ લાતગો ન હતો. બુદ્ધિધનનો ખ્યાલ એવો હતો કે વહુ પીયર સાંભરી સોરે છે. તેથી તેણે હુકમ કર્યો હતો કે એને સોબતમાં રાખવી, રમતમાં ગમતમાં એનો દિવસ ક્‌હાડવવો અને ગામ બ્હાર ફરવા હરવા લઈ જવી, કારણ વિદ્યાચતુરના ઘરમાં સુધારો હતો અને સ્ત્રી વર્ગને ફરવા હરવાની ટેવ હતી તે બુદ્ધિધનને માલમ હતું. આ હુકમનો અમલ અલકકિશોરી પુરા ભાવથી કરતી. પણ કુમુદસુંદરી પોતાનો રોગ જાણતી હતી અને એમાંથી મુક્ત થવા પ્રમાદધનને મુંબાઈથી કેટલાંક પુસ્તક મંગાવવા કહ્યું હતું, તે એવું ધારીને કે પુસ્તકમાં લક્ષ જવાથી પરપુરુષ થયલા સરસ્વતીચંદ્રનું ભૂત મગજમાંથી જતું ર્‌હેશે. પુસ્તક હજી આવ્યાં ન હતાં એટલે આ અવસ્થા ઘણી વાર થઈ આવતી અને અનુભવહીન બાળકી પુસ્તકની વાટ જોતી હતી. પરંતુ આજ તો સ્વપ્ન જોસપર આવ્યું હતું અને નિઃશ્વસ્ત બની ભીંતસાથે લપ્પાઈ રહેલી આ પુતળીના અંતર્‌માં કેવીજાતનો સંચો ચાલતો હશે તેની કોઈને ખબર ન હતી એટલામાં વનલીલા છૂટી પડી હતી તે ગાતી ગાતી પાસે આવી:

"સહીયર વેરણ ક્યાં થઈ લાગી,

"મને નિદ્રામાંથી જગાડી રે

"પિયુથી વીખુટી મને પાડી રે - સહીયર" * [૧]

પાસે આવતી ગાતી બંધ પડી. "ભાભીસાહેબ, આ તો જુવો" એમ બુમ પાડી. કુમુદસુંદરીના રોકાયલા મગજમાં બુમના પ્હેલાં ગાયન ગયું અમે તેમા સંસ્કાર બુમ કરતાં લાંબા પ્હોંચ્યા.

"ભાભીસાહેબ, આ તો જુવો" એમ વનલીલાએ ફરી કહ્યું. "વેરણ" થયલી "સહિયર" ના સામું ટકટક જોઈ રહી કુમુદસુંદરી જાગી હોય તેમ બોલી, "હાં, શું ક્‌હો છો ?"

"એ તો આ એક કૌતુક જોવું હોય તો, આ ઓટલાપર કોક સુતું છે ને ચોપડી વાંચતા વાંચતા સુતું હશે ને ઉંઘ આવી હશે તે ચોપડી છાતીપર પડી ગઈ છે. લોકો શું કરે છે? તળાવપરે ચોપડી !"

"હશે. આપણે શું? પારકા પુરુષની આપણે શી ચિંતા?"

"પણ કલાંઠી બદલતાં કે ઉઠતાં તળાવમાં પડશે તે?"

"જગાડો ત્યારે."

"અરે ઓ ભઆઈ, ઓ ભાઈ!"