લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯

"પણ શાથી જાણ્યું કે આ તે જ?"

"એ જ મુખારવિંદ. વળી પુસ્તક પાસે હતું - એ તો અમથું હોય - કોણ જાણે શુંયે હશે."

"પણ એ તો અહીંયા ર્‌હે તો સારું. એની ક્ષેમકુશળતા જાણી જ મજ્ઞ રહીશ. મ્હારો રોગ જશે. મ્હારે બીજું વધારે શું જોઈએ? આટલો જ સંબંધ ર્‌હે તેમાં શો દોષ ? એની સાથે બોલીશ નહીં. એના સામું જોઈશ નહી. માત્ર એ કોઈની સાથે વાત કરશે તે સાંભળીશ. અને ક્ષેમકુશળ જાણી મને ચિંતા નહી ર્‌હે."

વિચારમાળાનો મેર આવ્યો. બે જણ ચાલતાં ચાલતાં અલકકિશોરી ભણી ગયાં. અલકકિશોરી પાસે આવી, ભાભીને ખભે હાથ મુક્યા, સામું જોઈ રહી, અને બોલી.

"કેમ ભાભીસાહેબ, આજ આમ કેમ છો ? કાંઈક ઊંડા વિચારમાં પડ્યાં છો. તમાઅરે શોક તો હોય નહી. મનસુબા તો કારભારીયો કરે. ક્‌હો પીયર સામ્ભર્યું છે કે મ્હારો ભાઈ સાંભર્યો છે?"

"ઈશ્વર જાણે શાથી, આજ હું થાકી ગઈ હોઉં તેવી થઈ છું."

એટલામાં વાડાનાં બારણાં ઉઘડ્યાં. આગળ બુદ્ધિધન અને પાછળ મૂર્ખદત્ત તાળુંકુંચી હાથમાં લીધેલાં એવો - એમ બે જણ અંદર આવ્યા.

અલકકિશોરી, કુમુદસુંદરી, વનલીલા અને કૃષ્ણકલિકા સૌ એકઠાં થઈ ગયાં અને અમાત્યની સામે ટોળું બની વીંટાઈ વળ્યાં. રાધા એકલી ફરતી હતી તેણે ઓટલ ઉપર એકલી ચોપડી પડેલી દીઠી. "કોની હશે?" "કોણે અહીંયા મૂકી હશે?" કરી ઓટલે જઈ નીચાં વળી લીધી અને પાનાં ફેરવી જોવા લાગી. સૌને બતાવવા પાછી આવે છે તો ટોળું થતાં દીઠાં, તેમાં પોતે પણ ભળી અને કુમુદસુંદરીને ખભે એક હાથ મુકી ઉભી રહી.

"રાધા ક્યાં?" કરી પાછું જુએ છે તો એને અલકકિશોરીયે દીઠી. કુમુદસુંદરીએ એના હાથમાંથી ચોપડી લેઈ જોઈ.

"શાની ચોપડી છે?" બુદ્ધિધને પૂછ્યું. ચોપડીમાંથી પાનું જોતી જોતી શરમાતી કુમુદસુંદરી બોલી: " આ તો રાધાના હાથમાં હતી. એનું નામ - ધી પંડિત- કાશીવિદ્યાસુધાનિધિ એવું છે. એમાં સંસ્કૃત તથા ઈંગ્રેજી 'આર્ટિકલો' તથા જુનાં પુસ્તકોનાં ઉતારા આવે છે. મ્હારા પિતાજીને ત્યાં પ્રતિમાસે આવે છે." સૌ સ્ત્રી વર્ગ જોઈ રહ્યો, કાંઈ સમજાયું નહીં.

રાધા - "એ તો પેલે ઓટલે પડી હતી કોકની તે મ્હેં આણી."

મૂર્ખદત્ત - "આપણી ધર્મશાળામાં ઉતરેલા છે તેમની ચોપડી છે એ. એ ખોળતા હશે."