બુદ્ધિધને ચોપડી હાથમાં લીધી અને નવીનચંદ્રને વાડામાં બોલાવવા
કહ્યું - તપોધન દોડ્યો. નવીનચંદ્ર પાછો ફરી ચોપડી શોધતો હતો તેને
કહ્યું કે “અમાત્ય બોલાવે છે, આ ઓળખાણનો પ્રસંગ ઠીક છે, તમારી
ચોપડી એમની પાસે છે, ચાલો.” બન્ને જણ આવ્યા. નવીનચંદ્રે નમસ્કાર
કર્યા, બુદ્ધિધને ગંભીરતાથી સ્વીકાર્યા, સ્ત્રીવર્ગ છેટે સંકોચ પામી
ઉભો રહ્યો, અને કુમુદસુંદરી ધ્રુજવા લાગી – પુસ્તક ઉપરથી તેની શંકા
વધારે બળવાન બની હતી અને સઉની પાછળ ઉભાં રહી બધાં પોતાને
દેખે નહી એમ સઉના માથાંની વચ્ચે ર્હેતા અંતરમાંથી નવીનચંદ્રનું મુખ
નીરાંતે અને નિઃશંક ન્યાળી શકતી હતી. તેના મનમાં એમ હતું કે જો
મ્હારી શંકા ખરી હશે તો એ મ્હારો દૃષ્ટિપાત ખમતાં ક્ષોભ પામશે.
બુદ્ધિધનઃ– “તમે ક્યાંના વતની છો ? અહીંયાં કાંઈ પ્રયોજને આવવું થયું હશે.”
નવીનચંદ્રઃ–“હું મુંબાઈ ભણીથી આવું છું. રજવાડો નજરે ન્યાળવાના હેતુથી અાણી પાસ આવ્યો છું."
“તમે મુંબાઈમાં કાંઈ ધંધો કરો છો ?”
"આપણા દેશમાં ક્હેવાય છે કે અન્નપૂર્ણા કોઈને ભુખ્યું મુકી સુતી નથી તે હું અનુભવવા ઈચ્છું છું. મુંબાઈમાં હું વિદ્યાર્થી હતો. હવે અનુભવાર્થી છું.”
“તો કાંઈ ધંધો કરો. ”
“એક ધંધામાં એક જ જાતનો અનુભવ આવે છે. મ્હારે સઉ જાતનો અનુભવ જેઈએ છીયે.”
બુદ્ધિધનને આ માણસ વિચિત્ર લાગ્યો અને કાંઈક હસવું આવ્યું.
“તમે એ કાર્ય શી રીતે પુરું પાડશો ?”
“ હું બોલ્યા વગર જોઈ શકું છું. કાને સાંભળેલું મનમાં રાખી શકું છું. જાતે રંગાયા વિના સઉ રંગ જેઈ શકું છું,”
બુદ્ધિધને મહામહેનતથી હસવું ખાળી રાખ્યું.
“આ પુસ્તક તમારું છે ?”
"હાજી.”
“તમે શું ભણ્યા છો?”
“કાંઈક ઈંગ્રેજી અને કાંઈક સંસ્કૃત.”
“ક્યાં શીખ્યા છો ?" કુમુદસુંદરી ઉત્તર સાંભળવા આતુર થઈ.
"મુંબાઈમાં.” કુમુદસુંદરી પુરી તૃપ્તિ થઈ નહી.