પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪

એવા અનેક વિચારને આચારમાં આણતો હતો અને પોતાની તેમ કરવાની શક્તિ અનુભવસિદ્ધ થઇ જોઇ અભિમાન અને આનંદ પામતો હતો. આથી એની પાછળ ભમનારી અનેક સ્ત્રિયો સાથે અણીનો વખત આણી પોતે ખડકયામાંથી ખસી જતો હતો, હજાર પ્રસંગ ઉત્પન્ન કરી તેમાંના માત્ર એકાદ પ્રસંગે જ કોકને અનુકૂળ થતો હતો, બાકીના નવસે નવાણું પ્રસંગે સઉને નિરાશ કરતો હતો, અને નિરાશ થનારને બાકી રહેલા એક પ્રસંગનું પાત્ર થવાની આશામાંથી છુટવા ન દેતો. એની જુવાનીનો આ મદ ઘડપણ સાથે ઉતરતો ગયો છતાં છેક છેલે સુધી જડમૂળથી ગયો નહી અને આવો શોખ ખેાટો એવી શીખામણ ઈશ્વરે એને માત્ર છેક છેલે વખતે આપી. છેકે છેલે વખતે જ્યારે એણે સર્વ પ્રસંગ ઓછો કરી દીધા જેવું થયું હતું ત્યારે એને કોઇનો રોગ લાગ્યો, તે અસાધ્ય નીકળ્યો, અને ધર્મલક્ષ્મી પોતાની આખી જુવાનીમાં પતિના દોષ અતર્ક્ય ક્ષમા રાખી વેઠતી હતી અને ગમ ખાતી હતી તે આ ને આ દશામાં વૃદ્ધ થવા પામેલી આજ આવે સમયે આખા જન્મની ક્ષમા ખોઇ બેઠી અને માંદા માનચતુરના ખાટલા આગળ રોતી રોતી ધર્મને ઉપદેશ કરવા લાગી.

“અરેરે ! મ્હારું ભાગ્ય જ ફુટેલું છે. કેટલાકને ખાવાનો ગળકો હોય છે અને કેટલાકને પારકી ચીજ જોઇ જોઇ ચોરી લેવાની ઊર્મિ ઉછળે છે તેમ કેટલાંકને પરસ્ત્રીનો ચસકો હોય છે. જે એવો ચસકો તમને હત તો હું એમ જાણત કે તમે પામર જીવ છો. જેમ શરીર ઉપર આપણું બળ નથી તેમ પામર જીવવાળાનો જીવ તેમના હાથમાં નથી ર્‌હેવા પામતો, તેઓ બીચારા પોતાના દોષ જાણે અને પસ્તાય તે પણ લગામ હાથમાં રાખી શકતા નથી પણ તમારો તો જીવ સાધ્ય છે – તમે ધારો તો મ્હોટા જોગીરાજ જેટલા નિયમ પાળી શકો એમ છો, પણ તમે તો જે કરો છો તે જાણી જોઇને કરો છો ! જાણી જોઇને કરે તેને બેવડું પાપ – તેને પ્રાયશ્ચિત્ત પણ નહી.” ઠેઠ હૃદયમાંથી નિ:શ્વાસ મુકી વળી બોલી: “આપણે એક બીજાના પુણ્યપાપનાં ભાગિયાં છિયે. હું તો ઘણુંયે જાણું કે કાંઇ ધર્મ થાય – મનુષ્યદેહ કાંઇ ફરી ફરી આવવાનો છે ? પણ મ્હારું જાણ્યું શા કામનું ? હું જાણું ને તમે ન જાણો ! એ તે ધુળ ઉપર લીંપણ ! તમે જેટલાં પાપ કરો ને તેનાં ફળના અધિકારી થાવ તેમાં યે મ્હારો ભાગ ! હું ધર્મ કરું તે ધોવાઇ જાય ને ઘરમાં કોઇ પાપ કરે તે અવશ્ય વળગે ! પારકાં પાપનો ભાર મ્હારે