પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫

આવતે અવતાર પણ તાણવો પડશે ! અરે ! મ્હારે તો મ્હારી જુવાનીમાંથી જ એ ભાર દેખવો પડ્યો છે. હું બોલી નથી – ચાલી નથી – તમને કોઇ દિવસ ઠપકો દીધો નથી – પણ પેલી મ્હારી શોક્યો દેખી મ્હારાં અંતરમાં કાંઇ ભડકા નહી લાગ્યા હોય? મ્હારાપર રજ ખોટો વ્હેમ પડ્યો હતો તો આપને આટલું થયું હતું તો તેટલા પરથી વિચાર કરો કે મને કેવા ધીકધીકતા અંગારા ચંપાયા હશે ? તમને તો ઈશ્વર ક્ષેમ રાખે પણ હું તો આ અવતારમાંજ મ્હારા ભાગનાં ફળ ભોગવી ચુકી છું – ભલે ! એટલાથી જ જો પુરું થયું હશે તો તે ભોગવવા બીજો અવતાર નહીં લેવો પડે – હાય ! હાય ! હું શું કરું ! મ્હારી આંખ આગળ સઉ તરી આવે છે, મ્હારા કાળજામાં ચીરા પડે છે, મ્હારી આંખે અંધારાં આવે છે - શિવ ! શિવ ! શિવ ! – ઓ મ્હારા બુદ્ધિશાળી કંથ ! - તમે હજીયે નહી સમજો ? આ ધોળાં પળિયાં વિચાર નહી કરાવે ? આ મંદવાડ કંઇ નહી સમજાવે ? હજી મ્હારે કપાળે શાં શાં દુઃખ લખેલાં હશે !” થોડી વાર બોલતી બંધ રહી. વળી કાંઇ સાંભરી આવ્યું હોય એમ બોલવા લાગી: “આજ તમને પાંચસે રૂપિયાનો પગાર થયો હત – હજી સુધી ટુંકા પગારમાં પગ ઘસવા પડે છે તે આ એક કટેવને પાપે. હજીયે કાંઇ સમજો શરીર આજ છે ને કાલ નથી. મ્હારી તો ચિંતા કરતી નથી – પણ હજી તમારી પાસે કાંઇ સંગ્રહ થયો નથી – છોકરાં શું કરશે ? ન્હાનો તો મોસાળને પ્રતાપે પણ કમાય તે ખરું, પણ મ્હોટો તો આ તમારી છાયામાં ઉછર્યો છે તેને તમે ઠેકાણે પાડ્યો છે તે ચાલે છે – પણ એના ઉપર તમારી છાયા બધી રીતની આવી છે. માબાપનાં પુણ્યપાપ, છોકરાંને ફળે. તમારી કટેવો એનામાં ઉગી નીકળી છે. તમારી બુદ્ધિ નથી, તમારી શક્તિ નથી – પણ તમારા જેવું કરવા જાય છે, એ છોકરો કોઇ દિવસ ખત્તા ખાઇ બેસશે ને એને કોઇ પણ ઉગારવાનું નથી. તમારી છાયામાં એ ઉછર્યો તેની એ પ્રસાદી. હું તો હોરણી પ્હેરીને જ જાઉં તે ભાગ્યશાળી – પણ આ છોકરો શું ખાશે ? જાતે કમાશે નહી, તમે કાંઇ મુકી જવાના નથી, ને ખુણેખોચલે પડ્યું રહ્યું હશે તે નરઘાંસારંગીના સાદ ભેગુ તણાઇ જશે કે પારકા ઘરની રાંડોનાં છોકરાં ખાશે એ બધું તો બળ્યું – જેનું લાગ્યું જે ભોગવશે, પણ તમારે યે આવતો અવતાર છે તે વખત તમારું શું થશે ! જરી તો વિચારો ! થયું તે તે થયું - પણ હવે તે કાંઇ સમજો ! -મ્હારે