પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭

કેવી દુષ્ટતાથી વર્ત્યો હતો, એ દુષ્ટતાનું પોતાને ભાન સરખું ન હતું, અને પોતાનું પરાક્રમ સ્ત્રીનાં મર્મસ્થાન નિર્દય રીતે ચીરવામાં જ પર્યાપ્ત થતું. આ વિચારનો એના મનમાં આખરે ઉદય થયો, પોતે ક્ષમાને પાત્ર ન છતાં સ્ત્રિયે આટલી આટલી ક્ષમા રાખી તે વાતનું ભાન વીજળીપેઠે તેના મગજની રાત્રિમાં ઝબુકી રહ્યું, અને છેક બાળપણમાં રોયો હશે તેને આજ આંખમાં કંઇક આંસુ આવ્યાં અને ધીમે રહી પથારીમાંથી અાંખો ઉંચી કરી બોલ્યો.

“આ વચન આટલાં મોડાં છેક આજ કહ્યાં. આ ઉપદેશ છેક મરણપ્રસંગે કર્યો કે મને હવે કંઈ પણ કામમાં નહી લાગે - આ કામ તું આ ઘરમાં આવી તેવામાં જ કેમ કર્યું નહી? મને વેળાસરે કેમ કાંઇ કહ્યું નહી ? આગ લાગતાં સુધી કુવો ન ખોદવાનો મેળ કયાંથી રાખ્યો ?” અર્ધ મીચેલાં પોપચાંવાળી ઘેનભરેલા જેવી આંખો આ વચનને અંતે ઉંચી રહી ગઇ – જાણે કે મળનાર ઉત્તર સાંભળવાનું કામ કાનનું નહી પણ આંખોનું જ હોય. મ્‍હોં ઉઘાડું રહી ગયું - જાણે કે ઉત્તર તેમાં લેવાના હોય. એક હાથ ઉછળી ડોસીના ખોળામાં પડ્યો – જાણે કે ક્ષમાનું દાન માગતો હોય. ડોસીએ એ હાથ ઝાલ્યો.

“હું જાણું છું કે મ્‍હારે તમને આ સમે ન ક્‌હેવું હોય. પણ જો આ રોગમાંથી તમે નહી જ ઉઠો એમ હત તે ન ક્‌હેત. પણ મ્‍હારો અંતરાત્મા મને ક્‌હે છે કે તમે સવારના પ્‍હોરમાં ખાટલામાંથી ઉભા થશો. મ્‍હારું કર્મ ફુટેલું નથી. હું કપાળે ચાંલ્લો લેઇને જવાની છું. જ્યારે તમને કરાર વળે ત્યારે અત્યારનું કહ્યું તમને કામમાં લાગશે જાણી ક્‌હેવાનું તે અત્યારે કહું છું. આજ સુધી તમને ન કહ્યું તેનું કારણ એ કે મ્‍હેં કહ્યું હત તે તમારા મનમાં વસત નહી. પાછળથી ક્‌હેવાનું ન રાખ્યું તેનું કારણ પણ એ જ કે તમે હતા તેવા ને તેવા થાવ એટલે મ્‍હારું કહ્યું સાંભળવાના નહીં. મને ધડપણ આવ્યું, મ્‍હારી વાસનાઓ ઉડી ગઈ, અને તમારી વાસનાઓ ફરી થવાની. અત્યારે તમારી આંખો ઉઘાડી છે એટલે તમને જે બતાવું છું તે દેખો છો, કાન ઉઘાડા છે એટલે કહું છું તે સાંભળો છો, એ દેખાડવાથી અને સંભળાવવાથી હું તમારાં જીવને દુભવું છું- પણ હું તમને અત્યારે ન કહું ત્યારે ક્યારે કહું ? જેમાં મ્‍હારું, તમારું, અને આખા કુટુંબનું કલ્યાણ છે એવી વાત ક્‌હેવાનો મ્‍હારો અધિકાર તમે કયારે રાખ્યો હતો જે હું કહી શકું? એ અધિકાર પણ તમે સાજા થશો ત્યાં સુધીનો છે. પછી મ્‍હારો અધિકાર જવાનો