પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯

જરીક ડબાય એટલે એમાંથી ધરર લેઈને પાણીની ધાર ચાલે તેવા એ ઠગારા ઇંગ્રેજી ભણેલાઓની વૃત્તિ સ્ત્રિયો આગળ થાયછે તે તમારું અજાણ્યું નથી – તમે એ લોકને આંગળીનાં ટેરવાં પર નચાવ્યા છે તે મ્‍હારું જોયલું છે. સ્ત્રિયો કરતાં પણ નપાટ અને નબળી આવી પુરુષજાતમાં ખરેખરે બળવાળો અને દ્દઢ મનવાળો પુરૂષ તે એક મને મળેલો છે. એનું પુરુષપણું જોઇ મને અભિમાન આવે છે. એવો પુરુષ મ્‍હારો પતિ છે તે જોઇ હું ફુલી જાઉ છું. જ્યારે બધાં ગરબે ગાય છે કે “મ્‍હારા સ્વામીજી બાવન વીર રે ! ” – ત્યારે હું અાંનંદમાં આવી જાઉં છું અને મનમાં સઉ ગાનારીઓને કહું છું કે "સઉ ખોટું બોલો છો – એવા સ્વામીજી તો મ્‍હારે એકલીને જ છે ! ” સ્ત્રીજાતિ તમારી પાસે જખ મારે છે, આખા જગતને મોહની લગાડે એવાં રૂપ કદ્રુપાં હોય એમ તેનો તિરસ્કાર કરવાની શક્તિ એ એક તમારામાં છે. ખટ વિકારનું બળ તમારી પાસે પાણી ભરે છે. મ્‍હેં જેટલા પુરુષ જોયા તે સઉ ખોટાં પુતળાં છે ને તમે જ એક પુરુષ છો એને મને પૂર્ણ અને પ્રત્યક્ષ જાતઅનુભવ છે ! –”, પતિની સ્તુતિ કરતાં કરતાં ડોશીને ઉલ્લાસ આવી ગયો, એનાં આંસુ સુકાઇ ગયાં, અને પતિનો વૈભવ અને પ્રતાપ જગતમાં જણાતો જોઇ જુવાનીમાં પોતે પોતાને મ્‍હોટી થયેલી માનતી એ વખતના પતિ- અભિમાનનો અનુભવ આજ ડોશીએ ફરી ઘડપણમાં પળવાર કર્યો. સ્ત્રીને મ્‍હોંયે પોતાના ખરા ગુણનાં વખાણ સાંભળી માંદો માનચતુર પ્રફુલ્લ થયો, ટટાર થયો, બે હાથેલિયો પર ટેકો દેઇ બેઠો થયો, અને વ્‍હાલ આણી હસતો હસતો ડોશીની આંખો સામું જોઇ રહ્યો અને બોલ્યો. “હવે, ક્‌હે, ક્‌હે, આ બધું તું બોલી તે તો હું સમજ્યો – પણ ત્‍હારે જોઇયે છે શું ? ત્‍હારી ઇચ્છા પુરી કરું ! બોલ ! શી ઇચ્છા છે ? ત્‍હેં મ્‍હારી મરજી આજ સુધી સાચવી તો ત્‍હારી મરજી એક વખત સાચવવી એ મને નહી આવડે ? ”

“તમે ધારો તો તમને આવડે એવું છે તેથી તો હું આ આટલું કહું છું, મ્‍હારે તો એટલું જ જોઇએ છે કે જે તમને આવડે છે તે કરવાનું તમે ધારો ! આખી પુરૂષજાત તો તે હજાર વાર ધારે તો પણ તેને જે આવડે એમ નથી – તેનાથી જે થઇ શકે એમ નથી - તે કામ તમે ધારો એટલાથી જ સિદ્ધ થશે.” ડોસાને ડોશીએ પાણી ચ્‍હડાવ્યું.

“ચાલ, ધાર્યું ત્યારે આજથી !” આટલું બોલી બેઠેલો ડોસો