પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦

પથારીમાં પાછો ચતો ને ચતો પડ્યો, સુતો, અને એની આંખ મીંચાઇ. એની પ્રતિજ્ઞાથી પોતાનું અને એનું જીવન આજ સાર્થક થયું માની, એ પ્રતિજ્ઞા જુઠી પડવાની નથી એવી ખાતરીથી શાંત થઇ, આજથી એક નવો જ જન્મ ધર્યો હોય અને તેના આનંદને અનુભવવા અંતર્‍દૃષ્ટિ થતી હોય તેમ બાહ્યલોચન મીંચી નીચું જોઇ, સ્થાણુખનનન્યાય સમજતી હોય તેમ, ધર્મિષ્ટ ધર્મલક્ષ્મી બોલી: “ નક્કી ધાર્યું ? ”

“હા, હા, ધાર્યું જ !” અાંખો મીંચી નિદ્રાના ઘેનમાં આ શબ્દ બોલતો બોલતો ડોસો નિદ્રાવશ થઇ ગયો, તેનો જમણો હાથ નિદ્રામાં ઉપડ્યો અને લાંબો થઇ ડોશીના હાથમાં વચન આપતો હોય તેમ પડ્યો, ડોશી એથી જાગૃત થઇ, પતિનો હાથ ઘડીવાર ઝાલી રહી, ઉંઘતા પતિની મીંચાયેલી અાંખો અને પવનથી ફરકતી રુપેરી મુછો . સામું જોઇ રહી, ધીમેથી એ હાથ ખાટલામાં પાછો મુક્યો, બહુ સંભાળથી ઉઠી, પોતાની છાતી પર પોતાનો હાથ મુકી પળવાર વિચારમાં પડી – કંઇક વિચાર કર્યો, અને ઉંઘતા પતિનાં સર્વ શાંત અવયવોમાં નવી વિશુદ્ધિને બળે આરોગ્ય પ્રસરી જતું હોય એવું કાંઇક કલ્પતી કલ્પતી વૃદ્ધ દશાની પવિત્ર નિર્મળ અને તેજસ્વી શ્વેતતાવડે નખથી શિખસુધી અલંકૃત તપસ્વિની સતી શાંત નિદ્રા અને નવીન વિશુદ્ધિને , પતિનું શરીર સોંપી, તે સુતો હતો તે ખંડનાં દ્વાર ધીમેથી વાસી, તેમાંથી ચાલી ગઇ અને ગૃહકર્મના આન્‍હિકમાં સુસ્થ મનથી પડી.

આમ ડોશીએ ડેાસાને સુધાર્યો પણ દીકરો સુધરે એમ ન હતું. માનચતુરની મનને અંકુશમાં રાખવાની શક્તિ ગાનચતુરમાં રજ પણ ન હતી, પિતાની બુદ્ધિનું ઔજસ પુત્રથી સમજાય એવું જ ન હતું. પિતાના ગુણ વિના તેના અવગુણ સોગણા બની પુત્રમાં પ્રકટ્યા અને નાયગરાનો પાણીનો ધોધ ધરતી પર પડી તેને ફાડી નાંખી સર્વકાળ નિરંકુશ અને વેગવાન બની ધસ્યો જાય છે તેમ ગાનચતુરની વિષયવાસના એના સુવિચારને કચરી નાંખી ન્‍હાનપણથી તે આજસુધી ધસ્યાં કરતી હતી. ધર્મલક્ષ્મી એને પામર જીવમાં લેખતી, એને સુધારવા પ્રયન્ન કરી થાકી હતી, અને આખરે એને એના પ્રારબ્ધને સોંપી નિરાશ બની પ્રયત્નમાત્રનો ત્યાગ કરી બેઠી હતી. માત્ર માનચતુરને ક્‌હેતી કે તમે એને આવો કર્યો છે તે તમે એને સુધારો. આ કામ સુગમ ન હતું અને તે પાર ઉતારવા માનચતુરે ઘણી ઘણી રીતે બુદ્ધિ અજમાવી, પણ સફળ ન થયો. જો કે પોતે ખરેખરો સાજો તો કદી થઇ શક્યો નહી, તોપણ નોકરી કરવા જેવો થયો અને તે પછી બે ચારેક વર્ષ