પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨

છોડાવો, એટલે આપણે જગતમાં બીજું કાંઇ કર્તવ્ય નથી."

ગાનચતુરને સુધારવા અનુભવી અને કુશળ માનચતુરે ઘણા ઘણા પ્રયાસ કર્યા. પ્રથમ યોજના એવી કરી કે જ્યારે જ્યારે પુત્રને અવકાશ મળે અને તેને પોતાનો કાળ કુમાર્ગે ગાળવાનો પ્રસંગ આવશે એવું લાગે ત્યારે ત્યારે તરત પિતા તેને વાસ્તે કાંઇ ઉધમ શોધી ક્‌હાડી કાંઇક કામમાં પરોવતા. ચાળણીમાંથી પાણી નીસરી જાય તેમ આવા અનવકાશમાંથી નીસરી જઇ ગાનચતુર અવકાશ મેળવવા લાગ્યો. પુત્રના મિત્રમંડળમાં ફેર કરી તેને સારા મિત્રોની સંગતિ કરાવી; પુત્રે મિત્રમંડળને પોતાના જેવું કરી દીધું. પિતાએ સારા નરતા સર્વ મિત્રો દૂર કરવા માંડ્યા; પુત્ર તેમની સાથે છાનાં સંકેતસ્થાનમાં મળવા અને પિતાને છેતરવા લાગ્યો. વિષયમાં અસાધ્ય રોગાદિનો ભય હોય છે તેનાં દષ્ટાંત પુત્ર પ્રત્યક્ષ કરે એવી યુક્તિઓ પિતાએ રચી અને પોતાનું દૃષ્ટાંત પણ તે સમજી જાય એવું કર્યું. આ મહાભય પ્રત્યક્ષ થવા છતાં તે ભય વિષયથી અંજાયલી આંખોમાંનું ભૂત ક્‌હાડી ન શકયું. વિષય નહી તજાય તો નોકરી જશે, ફોજદારી કામ ચાલશે, પ્રતિષ્ઠા જશે, કમોતે મરવાનું આવશે, આખા કુળને લાંછન લાગશે – ઇત્યાદિ હજાર ભય દેખાડ્યાં પણ વિષયાંધ તે જોઇ શકયો નહી. માનચતુર એની પાછળ ખતરવટ થઇ લાગ્યો. એની પાસે જનારી સ્ત્રિયો રોગીલી છે એવા અપવાદ ઉત્પન્ન કરવા લાગ્યો, એ સ્ત્રિયોના પતિયોએ મારા મુક્યા છે એવો શબ્દ એને કાને જાય એવી યુક્તિયો કરવા લાગ્યો, પોતે જ પુત્રની પાછળ લુચ્ચા માણસોને મોકલતો અને અમુક સ્ત્રીના પતિએ તને મારવા અમને મોકલ્યા છે એવું તે માણસો પાસે ક્‌હેવરાવતો અને તે માણસો હથિયારબંધ રાતની વખતે તેની પાછળ દોડે – તેના સુવાના ઓરડા સુધી જાય – અને આખરે કાંઇ અકસ્માતથી ન ફાવ્યા હોય અને પાછા ફર્યા હોય એમ પાછા ફરતા. માનચતુર દીકરાને ધમકાવે અને ગાળે દેઈ ક્‌હે કે “ઓ કમજાત, ક્યાં ત્હારું મોત ભમે છે કે હજી સમજતો નથી ?” ગાનચતુર આખરે કાયર કાયર બની ગયો, તેની વિષયવાસના રાતદિવસના નિરંતર અને અત્યંત ભયને બળે શાંત થઇ ગઇ દેખાઇ, અને માનચતુર પોતાની બુદ્ધિને સફળ થઇ માનવા લાગ્યો. નોકરી ગઇ તેની સાથે ગાનચતુરને ખરેખરી સાન આવી. શરીર નિર્બળ અને ક્ષીણ થવાથી વિષયશક્તિ ઓછી થઇ, અને નાનાભાઇને ઘેર ર્‌હેવામાં પરવશપણું લાગવા માંડ્યું તેના કંટાળામાં તે ધીમે ધીમે વિષયવાસના પણ દૂર થયા જેવી થઇ.