પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬

મરજી ઉપાડી લેવી; એમનો સ્વભાવ તો જાણો છો એટલે વખત આવ્યે ચેતી જવું કે – હં, આ વખત એનું મન આ વાતમાં છે. એમને હાથમાં લેવા અને આંગળીને ટેરવે રમાડવા એ તમને ન આવડે એવું નથી. આપણે એમની મરજી ઉપાડી એટલે એ તમારા દાસ થયા સમજવા !”

ચંડિકા તબડકો કરી ગાજી ઉઠી: “ ના, આપણાથી નહી બને ! એને તો એવું જોઇયે કે રાંડો મુડકાઓ શંખણીઓ ઉપર એ નજર કરે ને હું બોલું નહી ! આપણાથી એ નહી થાય – ચોખી ના !”

“તમે ઉકળો છો શું કરવાને ? એ રાંડોનો તે પગ જ કાપવો. હું તો એવો રસ્તો બતાવું છું કે એ કોઇના ઉપર નજર જ ન કરે ને એક તમને જ દેખી ર્‌હે.”

“એ તો આવતે અવતાર થશે.”

“ના, એ બધાં જે રીતે એનું મન રાખે તે રીતે તમારે રાખવું ને કોઇના ઉપર એને નજર નાંખવા સરખો વારો પણ ન આવે એટલા કબજામાં રાખવા.”

“હું એને કબજામાં રાખવા જાઉ એટલે તો ધડાધડ થઇ સમજવી.”

“ના, એમ શું કરવા થાય ? આપણે એવાં શાણી બગલી જેવાં થઇ વાત કરિયે કે આપણે ઉકળિયે ત્યારે એ ઉકળેકની ? આપણે ગોળ ખાધા સાથે કામ રાખવું, જે ક્‌હે તેની હાયે હા ભણિયે ને હળવે હળવે બધું કામ ક્‌હાડી લઇયે.”

“એ તો મને કંઇ ન આવડે.”

“અરે, મ્હારાં ચતુર ભાભીજી, તમને ન આવડે એમ તે હોય?” એમ કહી ગુણસુંદરી હસી પડી, ચંડિકા પોતાનું વખાણ સાંભળી ખુશી થઇ ગઇ, અને હસાવી પટાવી ગુણસુંદરી એને મેડીઉપર લેઇ ગઇ. દીવો લેઇ આ બે જણ ઉપર આવ્યાં અને ગાનચતુર આપઘાત કરતા અટક્યો. ત્રણ જણે કલાક બે કલાક એકઠાં બેસી ગપાટા માર્યા, શાણી ગુણસુંદરીએ જેઠાણીને મ્હોટું પદ આપ્યું અને પોતે તેની તાબેદાર હોય તેમ વર્તવા લાગી. જેઠની ભુલ પોતાને વસી જ ન હોય – જેમ માને દીકરાની ભુલ ન વસે – તેમ પોતાને થયું હોય એવો દેખાવ ધારણ કર્યો, અને આજના એક કલાકમાં ગુણિયલના ગુણે જેઠાણીનું ઝેર ઉતાર્યું હોય તેમ દ્વેષ ઉતારી દીધો અને તેની સહી જેવી બની ગઇ, અને થોડીવાર ઉપર જે જેઠને આખા ઘરમાં પોતાનું કોઇ માણસ જડતું ન હતું તેને મન ન્હાની ભાભી મા જેવી વત્સલ વસી. સઉને આનંદમાં