પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦

કરવું, સઉ જમે એટલા વખતમાં પરચુરણ કામ કરી લેવું. રસોઇ કરતી વખત મ્હોંનું કામ શું? ઘરનાં છોકરાંને અને ચાકરોને સૂચનાઓ પણ તે વખતમાં આપી દેવી! આ બાળકની સંભાળ સુંદર રાખશે ને ખુશી થશે. જમ્યા પછી કલાક સુવું - શરીરની સંભાળ રાખીશું તો બધાંને કામ લાગીશું, દુ:ખબા બ્હેન પેઠે ઓછું આણિયે ને જન્મારાનાં દુખિયારાં થઇએ તેમાં શું વળ્યું? ઉંધી ઉઠી મુકેલો અભ્યાસ પાછો તાજો કરવો – કે મ્હારા ચતુરનું મન તે જોઇ આનંદમાં ર્‌હે. તે પુરો કરી ઘરનાં છોકરાંને લેઇ અર્ધો કલાક દેવદર્શન જઇ આવવું કે ખાધેલું પચે ને પગ છુટે ર્‌હે, ત્યાંથી આવી વાળુની તયારી વ્હેલી વ્હેલી કરી લેવી અને રાત્રે ઘરમાં સઉની સાથે ધડી બેશી – પછી હું ને મ્હારો ચતુર !” આજસુધી વિચાર નહોતો કર્યો તે કાંઇ સુઝયું ન હતું – આજ વિચાર કર્યો તો તરત રસ્તો સુઝ્યો. વિચાર કરવાનું પણ સાંભરવું જોઇયે છે.

કામ કેમ થોડું કરી નાંખવું, કોઇના ઉપર આધાર રાખ્યા વિના કેમ કામ નભી શકે, મ્હોટું મન કેમ રાખવું, વગેરે સમજી લેઇ એ સમજણના કાર્યગ્રાહી ગુણો ધારણ કરી કામમાં પડેલી ગુણસુંદરીએ ઉદ્યોગ અને આગ્રહથી ઘરકામનું વહાણ ઝડપબંધ આગળ ધપાવ્યું. પોતાની શાંતિ અને ક્ષમાથી સઉનાં મ્હોં શીવી દીધાં. એનું મ્હોટું મન દેખી પારકાંનાં મનમાંની અદેખાઈ શરમાઈ સંતાઈ ગઇ અને ભુખમરાથી મરી ગઇ, એના વ્હાલ આગળ આખું કુટુંબ એને વશ થઇ ગયું. એણે સર્વને સ્વતંત્રતા આપી અને જાતે પરતંત્રપણું સ્વીકાર્યું ત્યારે સઉ એના ગુણ આગળ પરતંત્ર થઈ ગયાં અને એ પોતે સઉની ઉપરી જેવી બની. આ સર્વ દેખી વિદ્યાચતુર સ્વસ્થ થયો, અને પોતે એકલો હતો ત્યારે જે સુખ ભોગવતો હતો તે જ સુખ આજ દઇ શકનારી પોતાની ગુણિયલ ઉપર વ્હાલ આવતાં ક્‌હેતો હતો કે આનું નામ તે प्रभुता रमणेषु योषिताम् !

ઘરના કામમાં વખતની વ્હેંચણી કરી નાંખી બધું કામ જાતે ઉપાડી લીધું એટલાથી ગુણસુંદરીના ધર્મકર્મની સમાપ્તિ ન થઇ. એ તો કોઇને કંઇ ક્‌હેવું ન પડે અને કોઇની આશા રાખવી ન પડે અને ઘરનું ગાડું ચાલ્યાં જાય એટલા જ ફળનું સાધક હતું, પરંતુ પરદુ:ખભંજન થવું અને સર્વ કુટુંબનાં અંતર્દુ:ખ જાણી લેઇ તેનો ઉપાય કરવો એ પુરુષકાર્ય પણ ગુણસુંદરીએ માથે લેઇ લીધું. સર્વની દાસી થઇ સર્વને દાસ કરી લેવાં, સર્વનાં મન રંજન કરવાં, સર્વનાં હૃદયને ઉચ્ચમાર્ગે