પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સંન્યાસી:–“ ભા, દીઠા નથી હજી સુરસંગના હાથ. આ હાથ આજ ભૂપસિંહની ગાદીને હલમલાવે છે ને બુદ્ધિધનને ઉજાગરા કરાવે છે. બે દિવસમાં જોઈ કે નહી ઉથલપાથલ કરી છે તે ?”

ગાડાવાળો:–“ત્યારે વીરપુર જઈ શું કરશો?"

સૂરસંગ:–“રાણા ખાચરની અમારે મ્હોટી ઓથ છે, ત્હારે એમના ભણીની બ્હીક રાખવી નહી. સરકારમાં એ ગમે તે બોલશે, કાગળમાં ગમે તે લખશે, પણ સુરસંગનો વાળ વાંકો નહી થવા દે.”

ગાડાવાળો:–“ત્યારે પેલા વાણિયા બ્રાહ્મણ ગાડામાં બેઠા હતા તેનું શું કરશો ? ”

સુરસંગે આ પ્રશ્નનો ઉત્તર ઉડાવ્યો એટલામાં છેટે અંધકારમાં રણશીંગુ વાગ્યું, સુરસંગે ઉત્તરમાં શિયાળના જેવો વિચિત્ર સ્વર કર્યો, થોડી વારમાં કેટલાક પગનો ઘસારો સંભળાયો, સુરસંગ વડવાઇઓના મુખ આગળ ઉભો રહી ચલમ ફુંકી તેમાંથી ભડકા ક્‌હાડવા લાગ્યો, અને થોડાંક માણસ આવ્યાં તેને સાથે લેઈ વડનીચે અસલ જગાએ આવી પાછો બેઠો. આવેલામાંથી એક માણસ ગાડાવાળાને લેઈ આવતું જતું માણસ સાચવવાને નિમિત્તે વડવાઈ આગળ જઈ બેઠો એટલે બ્હારવટિયાઓ અંત:કરણ ઉઘાડાં કરવા લાગ્યા.

તેમની પાસે હવે કોઈ પારકું માણસ ન રહ્યું. માત્ર સઉનાં માથાં ઉપર ડાળોનાં પાંદડાંમાં કોઈ બેઠું હોય તેમ જરાક ઘસારો થયો. સુરસંગે ચલમ સળગાવી ઉંચું જોયું અને કાન માંડ્યા. પણ તરત પાછો વાતોમાં ભળ્યો.

ચલમમાં ભડકો થતો ત્યારે ઉપરની ડાળેામાં તે તેજનું પ્રતિબિબ પડતું હોય તેમ આગિયા કીડાની પાંખના જેવો ચમકારો સ્પષ્ટ થતો હતો પણ તે પર કોઈનું ધ્યાન ખેંચાયું નહી, અને ચારપાસના અંધકારની પેઠે નિષ્કંટક પરંતુ પવનથી હાલતાં ઉપરનાં પાંદડાંના સ્વરની પેઠે ધીમે સ્વરે બહારવટિયાઓની વાર્તાનો રસ કણોપકર્ણ છાનોમાનો જામવા લાગ્યો.