પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫

પોતે મનોહરીને શીખામણ દેવાનું માથે લઇ ચંડિકાને પાછી જ્મવા મોકલી. ઉપર ગીત મેળે બંધ થયું, પણ મનોહરી કુમુદસુંદરીને બે હાથે ઉંચી કરી કુદાવતી હતી, વારંવાર ચુંબન કરતી હતી; . અને હીંચકા પ્હીંડો સુધી ખાતી હતી. ગુણસુંદરી ઉપર ચ્હડી દાદરમાં ઉભી ઉભી પળવાર જોઇ રહી. મનોહરીની પુઠ હતી એટલે એણે એ જાણ્યું નહી અને તાન લાગ્યું હતું તેમાં મચી રહી. એટલામાં એના હાથમાં ઉંચી થયેલી કુમુદસુંદરીએ માને ઓળખી, હશી, પગ નચાવી, કીલકીલાર મચાવી મુક્યો, ને મા ભણી હાથ લાંબા કર્યા, તે જોઇ મનોહરીએ પાછું જોયું. પોતે ગાયેલું કાકીજીએ સાંભળ્યું હશે એવું ભાન આવ્યાથી ગુણસુંદરીને જોતાં જ મનોહરી શરમાઇ ગઇ, અને તરત ઉભી થઇ કુમદસુંદરીને રમાડતી રમાડતી સામી ગઇ, એ શરમાઇ તે એના ગાલ ઉપર આવેલા રંગથીજ ગુણસુંદરી સમજી ગઇ. એની આંખમાં શરમ છે તે સમજણ છે અને તે છે ત્યાં સુધી ઉપાય હાથમાંથી ગયો નથી એવું ધારી એ હરખાઇ. પોતે એના કરતાં પાંચ સાત વર્ષેજ મ્હોટી હતી એટલે સહીપણાંના ભાવથી વાત કરી શકે એમ હતું. સરખી વયનાં માણસથી ઉપદેશ થાય છે એટલો બીજાથી થતો નથી. વહુ ગમે તેટલી બગડી હશે તો પણ બુદ્ધિશાળીને ઉપદેશ સમજતાં વાર નહી લાગે, અને એના ઉપર પ્રીતિ રાખી કહીશું તો ધીમે ધીમે સારા ગુણનો એને પટ બેસશે એ વિચાર ગુણસુંદરીને થયો. વળી એણે એવો પણ વિચાર કર્યો કે “આને મ્હોયે એના દોષ કહી બતાવશું અને વાંક ક્‌હાડીશું તો એને એકદમ નહી વસે અને બાળક છે એટલે ઉલટો સામે ભાવ બંધાશે; માટે હાલમાં તો એના સામા ન થવું, એનાં થઇને વાત કરવી, અને એની મેળે જ પોતાની સ્થિતિનો વિચાર કરી ઉપદેશ લેઇ લે એવું કરવું. આપણે ન ક્‌હેવું, પણ એની પાસેથી ક્‌હેવડાવવું. લોકરૂઢિએ કજોડું બાંધ્યું, જવાનીએ પોતાનું કામ કર્યું, બાળક ધણીએ છોકરવાદી કરી, અને ચંડિકાભાભીએ પોતાના સ્વભાવ પ્રમાણે કામ કર્યું ! વહુ બાપડી શું કરે? એને કોઇ સારે માર્ગે ચ્હડાવનાર ન મળ્યું, ઉછળતી જવાનીના છાકે બુદ્ધિને જે રસ્તે ચ્હડાવી તે રસ્તે ચ્હડી. પણ – આખરે ડાહી છે – સુધરે એવી છે," મનોહરીએ પોતાના સામું જોયું એટલામાં એને જોઇ ગુણસુંદરીએ આટલા વિચાર કર્યા અને હીંચકેથી ઉઠી એ સામી આવી એટલે પોતે પણ ઉપર ચ્હડી અને ઉમળકો આણી હસતી હસતી બોલી “વહુ, તમારો રાગ તો સારો છે; શું ગાતાં'તાં એ ?”