પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬

મનોહરી ફરી શરમાઇ અને કેડમાંની કુમુદસુંદરી સામું જોઇ ગુણસુંદરીને ક્‌હેવા લાગી: “ એ તો કંઇ નહી – અમસ્તું - સ્‍હેજ -જરી ” સાસુને રોકડા ઉત્તર આપતાં ડરતી ન હતી તે કાકીજી સાથે બોલી પણ ન શકી, અને મનમાંથી લેવાઇ ગૈ, છુટા રહેલા હાથની હાથેલી વીંઝી અાંગળાં બીડી દેઇ મનમાં જ બોલી: “બળ્યું, કાકીજીએ કયાંથી સાંભળ્યું આ ? હું શું કહું એમને ?” ગુણસુંદરીના ગુણે એને જીતી હતી તેનું એને ભાન હતું. બુદ્ધિમતી હતી માટે જ તે જીતાઇ હતી. ચંડિકામાં ગુણસુંદરીપણું ન હતું માટેજ મનોહરી એનાથી ન સુધરતાં બગડી હતી. મનોહરી હીંચકેથી ઉઠી, બાળકને રમાડતી રમાડતી – ચુંબન કરતી કરતી – અને છાતી સાથે ડાબતી ડાબતી, ગુણસુંદરીની પાસે આવી, અને પોતે ગાયું હતું તે વાત ઉડાવવા બોલી: “કાકીજી, આટલી સરખી છોકરી કેવી તમને ઓળખી ગઇ ? પણ તમે તો એના સામું યે જોતાં નથી ! કેવી પાંખડી જેવી છે ? વ્‍હાલ ન આવતું હોય એવાને પણ વ્‍હાલ અણાવે એવી છે !”

ગુણસુંદરી અને મનોહરી બે જણ હીંચકે જઇ બેઠાં અને ગુણસુંદરીએ મનોહરીને કલાવી કલાવી વાતો ક્‌હડાવવા માંડી. વાતો ક્‌હડાવતાં ક્‌હડાવતાં તેની મનોવૃત્તિ , સાથે અથડાય નહી એવો ઉપદેશ થોડો થોડો કર્યો. આખરે એ ઉપદેશ સફળ થતો હોય એમ મનોહરી બોલી ઉઠી: “કહો, કાકીજી, મ્‍હારો શો વાંક ? હું યે બાળક છું કની ? પુછો સાસુજીને – કેટલી વાર એમણે એમના કાન ભરવ્યા છે ? મૂળ તો 'કર્મે કજોડું – મ્‍હારે શ્યામજીડું' જેવું મ્‍હારે કપાળે લખેલું જ છે તે થયું, ને તેમાં વળી હવે જરી જરી છોકરવાદી મટવા માંડી ત્યારે સાસુજી દીકરાને માવડિયો કરી નાંખે ! ત્યારે મ્‍હારે યે કંઇ હોંસ હોય કે ન હોય ? બે પૈસાની કાંશકી મને આણી આપે તો તેટલું સાસુજીથી ન ખમાય ને દીકરાને 'બાયલો ! બાયલો !' કરી મુકે. બપોરે નીસાળેથી આવે ત્યારે ઘડીક પાણી પીવાને મેડિયે આવે તો સાસુજીની અાંખો ચ્‍હડી જાય ને બે જણને 'બેશરમાં–લાજ વગ- રનાં–નફટ–નફટ' કરી ફજેતી કરે ત્યારે એમને કાંઈ વિચાર નહી થતો હોય ? એમનો દીકરો ને મ્‍હારો ધણી તેની યે અદેખાઇ ! કોઇ બીજાની સાથે વાત કરું તો તો બોલતાં યે ભલાં. પણ આ તો પોતાનું ન્હાનપણ જ જાણે ભુલી ગયાં હોય કેની એમ કરે છે. એતો આટલાં મ્‍હોટાં થયાં – ને હું તે હજી ન્હાની બાળક છું. આ તમને