પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૯


ચંડિકા જે એક સમયે ગુણસુંદરીની ઓશિયાળી નથી એવું ખોટું ગુમાન રાખતી હતી તેને આવી રીતે ગુણસુંદરિયે ઓશિયાળી કરી નાંખી. ચંડિકા પોતાનું ગુમાન ભુલી ગઈ, જે ગુમાન જાળવી રાખવાનો એને આટલો મમત હતો તેની જાળવણી હવે માત્ર ભૂતકાળના સ્મરણમાંજ સમાઈ રહી, અને ભુલાયલું ગુમાન હવે માત્ર પશ્ચાત્તાપ સાથેજ સ્મરણમાં ખડું થતું. કોઇ પ્રસંગે તો એવું બનતું કે આવડમાં, ગુણમાં, અને ઉપકારમાં જેઠાણી બનેલી દેરાણી પાસે પોતાનું જેઠાણીપણું ભુલી જઈ દયામણું મ્‍હોં કરી ચંડિકા બોલી જતી. “ હું તે તમારો શો પાડ વાળું ? લોહીનો ગળકો ભુલી માત્ર દુધાધારી કોઇ થઇ જાય એવા તમારા જેઠ થઇ ગયા છે, સાંડસામાં પકડાયલો સાપ સખનો ર્‌હે પણ આ વહુ ડાબી ડબાય નહી ને પાતાળમાં રાખી હોય તો ઉછાળો મારી આકાશમાં કુદી આવે તેને પણ તમે મદારીના સાપ જેવી કરી નાંખી ! હું તે તમારો શો પાડવાળું? મ્‍હારે આવો નઠારો અને આકળો સ્વભાવ – લ્યો, કહી દઉં છું – જરી અદેખો પણ ખરો – એ સ્વભાવને પણ તમે બદલાવી દીધો. તમારા તે શા ગુણ ગાઇયે? તમારું નામ પાડનારને જ ધન્ય છે!” ગુણસુંદરી હસતી હસતી બીજી વાત ક્‌હાડતી અને કદી ઉત્તર દેવો પડે તો એટલુંજ ક્‌હેતી કે “હું શું કરનારી હતી ? તમારામાંજ આટલો ગુણ કે તમે સઉનો અર્થ સવળો લીધો. જો તમે બદલાયાં હો તો એ પણ તમારી જ આવડને તમારી જ ભલાઇ !”

ગુણસુંદરીનો સંસારકારભાર હજી પુરો ન થયો. બે નણંદોની ચિંતા બાકીજ હતી. દુ:ખબા માબાપને હૈયાસગડી જેવી હતી. તેનો ધણી સાહસરાય હજી ગામપરગામ આથડતો હતો અને દુ:ખબા - પર - કાગળ સરખો લખતો ન હતો. તેમાં વળી કુમારી પરણવા લાયક થઈ હતી. ધીમે ધીમે ગુણસુંદરી દુ:ખબાની સહી જેવી બની ગઈ પણ એનું દુ:ખ કાપવું એ પૈસા વિના બની શકે એમ ન હતું અને વિદ્યાચતુરની ટુંકી આવક લાંબા કુટુંબખરચમાં વરી જતી તે પોતે જાણતી. તે સર્વનો વિચાર કરી પોતાના હાથમાંનો પોતાના ગજા પ્રમાણે ઉપાય શોધી ક્‌હાડ્યો. એક દિવસ વિદ્યાચતુરને સ્વસ્થ ચિત્તે બેઠેલો જોઇ દુ:ખબાની વાત ક્‌હાડી વિદ્યાચતુર તે સર્વ સાંભળી રહ્યો અને કંઇ પણ આમાં કરવું જોઇએ એવું એને લાગ્યું શું કરવું તે વાતમાં ગુણસુંદરીની પાસેથી જ સૂચના માગી.

ગુણસુંદરી આડું અવળું જોતી જોતી બોલી: “કુમારીનું લગ્ન