પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦

કર્યા વિના તો ચાલે એમ નથી. કોઇ ક્‌હેતું નથી પણ આપણે સમજતાં નથી ? આપણે આ કામ માથે નહી લઇયે તો કોણ લેશે? મને લાગે છે કે દેવું કરવું એ ઠીક નથી. પણ મ્‍હારું પલ્લું કોઇને ઘેર મુકી રૂપિયા ઉપાડી લાવો તે તમારી પાસે ચારવર્ષે કાંઇ બચે ત્યારે પાછું લાવજો. એ બ્‍હાને સાહસરાયને પણ બોલાવાશે, રુપિયા આવે તે બધા લગ્નમાં નહી જાય, પણ થોડા બચશે તેમાંથી સાહસરાયનું દેવું પતાવો.”

વિદ્યાચતુર હસીને બોલ્યા: “ઠીક પલ્લું જ્યાં ત્યાં સસ્તું પડયું છે ! પલ્લું ગયું પછી તમે શું કરશો ?”

આ પ્રશ્નથી ભવિષ્યકાળનો તર્ક ખડો થયો અને મનમાંથી કંપતી કેડે હાથ દઇ ઉંચુ જોતી સ્ત્રી બોલી: “મ્‍હારું સૌભાગ્ય શાશ્વત હશે તો પલ્લાનો શો ખપ છે ? મ્‍હારું સૌભાગ્ય જ વાંકું હશે તો પલ્લું પણ વાંકું નહી થાય એમ કોણે કહ્યું ? મ્‍હારે દુ:ખના જ દિવસ લખ્યા હશે તો માણસની કારીગરી શા કામમાં લાગવાની હતી ? પાપ કરતાં પાછું જોયું હશે તો દુ:ખમાં યે ઈશ્વર ક્યાં આઘો થવાનો હતો? મ્‍હારી અાંખ આગળ સુંદર ભાભીનું દ્દષ્ટાંત કયાં નથી ? માટે હું કહું છું તે કરો. તમે હશો તો લાખ પલ્લાં છે – તમે નહી હો એવો વિચાર તે હું શું કરવા કરું ? તમારા પ્‍હેલી જ હું જઉં એવું શું મ્હારું ભાગ્ય નહી હોય ? કોઇનું કલ્યાણ કરવા પ્રસંગે આપણા ભાવિનો વિચાર કરવો જ ન હોય ! – ઉઠો – મ્‍હારા ચતુર !”

વિધાચતુરને ઉદાર ભેાજરાજા સાંભર્યો અને લાખ લાખ રુપિયાનું દાન કરનાર રાજાને અટકાવનાર પ્રધાન સાથે રાજાને થયેલા પ્રશ્નોત્તર સાંભર્યા:

आपदर्थे श्रियं रक्षेत् । श्रिमतां कुत आपद: ॥
कदापि कुप्यते दैवम् । संचितं किं न नश्यति ॥

વધારે પરીક્ષા કરવા પ્રશ્ન ક્‌હાડ્યો: “ભાવિને પડતું મુકો, પણ વર્તમાનનો વિચાર કર્યો? પલ્લાં શીવાય બીજા દાગીના કરવા મને મળ્યા નથી અને શરીર ઉપરના બધા સોળ શૃંગાર ઉતારી આપશો તો પ્હેરશો શું ?”

ભણેલી અને બીજી રીતે ડાહી સ્ત્રિયોને પણ અલંકાર વ્‍હાલો હોય છે અને તે પ્રમાણે ગુણસુંદરીને પણ હશે એવું વિધાચતુરે