પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩

વધારી મુકશો તો આગળ જતાં પ્‍હોચાશે નહી. આજ એકને કરશો ને કાલ બીજાને નહી થાય તો એકને કર્યું ધુળ મળશે ને બીજાની વખત ગાળ ખાશો. માટે આ કામ કરવું પડતું મુકો, જે વાતની સાહસરાયને ચિંતા નહી તેની તમે શી બાબત કરો છો ? તમને જસ વ્‍હાલો છે તેમ જસ જાનગરો પણ છે. જસ વ્‍હાલો કર્યાથી આપણાં ઘરમાં કાંઇ રંધાય નહી. જો તમને ઘણું લાગતું હોય તો ક્‌હો દુ:ખબાને અને સાહસરાયને બોલાવો. પણ ઘરનાં છૈયાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો એ કામ કરશો તો મ્‍હારે તમારે નહી બને. દીકરીઓ માવરોને વ્‍હાલી હોય તે દીકરાનું ચોરી ચોરી દીકરીનું ઘર ભરે, તે ભોગવે જમાઇ ને દીકરિયો પાછી આપણે ને આપણે કપાળે ચ્‍હોટી હોય તે આવે. તમારી સાસુને તમે આથી વ્‍હાલાં લાગશો, પણ મને વ્‍હાલાં થવું હોય તો મ્‍હારો દીકરો રાતદિવસ પગ ઘસી શેર આટો લાવે છે તેની દયા આણો. નણંદો આપણે બારણે ધાન ખાવાની અધિકારી, પણ ભાણેજાં પરણાવવા બેસિયે તો દૈવ રુઠ્યો સમજવો.”

ડોસો આમ અકળાયો તે વખત દુ:ખબા સુદ્ધાંત આખું કુટુંબ હતું. ડોસો આટલું બોલ્યો છતાં દુ:ખબા બોલી નહી કે “તમે આટલી ચિંતા શું કરવા કરો છો ?” તે સ્વભાવે ગરીબ હોવા છતાં અતિ દુઃખને લીધે લોભી અને સ્વાર્થી બની હતી. સાહસરાયને હરકત આવવા છતાં પોતાનું પલ્લું તેને આપ્યું નહી અને પિયર આવી હતી. ભાઇભોજાઇને ઘેર ર્‌હેવામાં તેના મનથી પાડ વસતો ન હતો. ભાઇભોજાઇ આટલી કુમારીને પરણાવી આપે તેવાં છે તે પરણાવશે એવું ધારી, વિવેક સરખો પણ કરતી ન હતી કે “તમે આ ભાર શું કરવા ઉપાડો ?” ડોસાના બોલ એ સાંભળી રહી. એમ જ જાણ્યું કે વખત છે હું વિવેક કરવા જઇશ ને ગુણસુંદરી ડોસા ભણી ઢળી પડશે. દીકરિયોને ખવરાવી દેવાનો આરોપ સાંભળી ધર્મલક્ષ્મીને જરી ક્રોધ ચ્‍હડ્યો, પણ ડોસાને ચ્‍હડેલો ક્રોધ દેખી ગમ ખાઇ ગયાં. બીજાં બધાં આતુરતાથી જોઇ રહ્યાં કે ગુણસુંદરી શો ઉત્તર વાળે છે. સઉની અાંખો એના ઉપર વળી.

ગુણસુંદરી વૃદ્ધ શ્વસુરનો ઠપકો ગંભીર મુખથી સાંભળી રહી, તે બંધ પડ્યા એટલે, મધુર મધુર હસતી હસતી બોલીઃ “વડીલનું કહ્યું અમે ક્યારે ઉથામિયે છિયે જે ? કુમારી બ્હેન પરણે તેનું ખરચ ક્યાંથી કરવું તેની ચિંતા અમે સ્ત્રિયો શું કરવા કરિયે ? તમે છો -