પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪

સાહસરાય છે – બધા છો – જેમ ઠીક લાગે તેમ કરજો. પણ સાહસરાયને બોલાવવામાં કાંઇ તમારે વાંધો નથી, તેમ વર શોધી ક્‌હાડી નક્કી કરી મુકિયે તેમાં પણ તમારે કાંઇ વાંધો નથી. લગ્ન ઠરશે તે ઉપર ક્‌હેશો તે ઘરમાં સમારંભ કરીશું. તમારે પાંચે અાંગળિયો સરખી છે – કોના ઘરમાંથી ખરચ કરવું તે ઠરશે તે પ્રમાણે થશે. આજથી એનો વિચાર શો ? ક્‌હો, હવે કાંઈ વાંધો છે ?”

ડોસો વિચારમાં પડી બોલ્યોઃ “ના, એટલું કરવામાં કાંઈ હરકત નથી. પણ તમારી ચતુરાઇ હું સમજું છું તે સરત રાખજો. મ્‍હારે પાંચે આંગળિયો સરખી નથી – બધી મ્‍હોટી ન્‍હાની છે ને જેનું કામ તે જે કરે એ બેાલથી હું આગળ ઉપર બંધાયલો રહું એમ ન સમજશો.”

“અમારાથી તમે તે કંઇ બંધાવાના છો ? ને તમને બાંધિયે એવું અમારાથી થાય પણ ખરું ? અમારે તો તમારી પરવાનગી જોઇયે તે તમે આપી એટલે થયું !” ગુણસુંદરી હસતી હસતી કામે વળગી, સઉ વેરાઇ ગયાં અને ડોસો એકલો બેઠો બેઠો વિચાર કરવા લાગ્યો: “ આ વહુ જેવી કુલીન તેવી જ ચતુર છે, એના આગળ મ્‍હારું ચાલવાનું નથી, ધાર્યું છે તે પાર ઉતારશે. મ્‍હારાથી ના ક્‌હેવાય નહી એટલી વાત અત્યારે મ્હારી પાસે કબુલ કરાવી બાકીની વાત પડતી મુકી – અદ્ધર રાખી ને વખત આવે એ કોણ જાણે શોયે ઘાટ ઉતારશે. – મ્‍હેં પણ ઠીક જ કર્યું કે નહી? – એ બીચારી આટલું આટલું તણાઇ મરે છે ને આ બધાં ઢોર ભરાયાં છે તેમાંથી કોઇને ભાન નથી કે જરી વિવેક તો કરિયે ? – સાહસરાયને – ભાઇને – દેવું છે તે કંઇ ઝટ લેઇ આવે એમ નથી – ને લગ્ન તે કયાં થવાનું હતું? એ જાણે છે કે ભાણેજનું ખરચ મામો જ ક્‌હાડે તે ! લખ્યું હશે દુઃખબાને, અને દુઃખબાએ ભાભીને ઉભાં કર્યા હશે, ને ભાભી જસ કમાવા ઉભાં થયાં છે. પણ એ ભાભી સમજતી નથી કે આ તો આવ, કોવાડા, પગ પર – ની વાત છે. સમજે નહી એવું તો કંઇ નથી, પણ ઈશ્વરે એનું મન જ મ્‍હોટું કર્યું છે. મ્‍હારો દીકરો રત્નનગરીનો કારભારી હત તો આવું મન દીપત – પણ –” ડોસો આવી વિચારપરંપરામાં પડી ગયો અને ધીમે ધીમે મનની પ્રવૃત્તિ શાંત થઇ.

કુમારીના વરની શોધ ચાલી. એક દ્રવ્યવાન ડેાસો દુ:ખબાને ગમ્યો – તેના દ્રવ્યથી એનું મન લોભાયું, બીજો વર કજોડું પડે એવો