પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬


મનોહરી નરમ અને ઠંડી થઇ ગઇ, ને ધીમેથી બોલી: “ હા, બાઇ, હા, બાળક છિયે તે જરી પુછિયે પણ ખરાં. તમે કહ્યું ત્યારે સમજ્યાં કે ન પુછાય તે હવે નહી પુછિયે. કોણ જાણે શું છે કાકીજીમાં કે જરી બોલિયે એટલે મ્હાત જ કરી દેછે. લ્યો પણ હવે, ફોઇજી, કાકીજીનું ક્‌હેવું ખોટું તો નથી. ડોસાના કજોડા કરતાં મ્હારા જેવું કજોડું સારું ! ડોસાને પરણી રાંડે તેનો તે ઉપાય જ નહી – ને આ અમારું દુ:ખ તે તો થોડા દિવસનું: વીશ બાવીશમે વર્ષે બે જણ આવી મળિયે ત્યાંસુધી દુ:ખ ને પછી સઉ ભુલી જવાય ! ને તમારો ડોસો તો પચાશ વર્ષનો થાય ત્યાંસુધી સંસાર ને પછી બાયડીને જન્મારો ભટકવાનું ! એના પઇસાને તે પછી શું બચકાં ભરવાનાં હતાં? એના કરતાં તો મ્હારે બહુ સારું !”

આ ઉઘાડી ન બોલવા જેવી પણ અણસમજમાં બોલાયલી અને અનુભવની વાતથી સઉ સ્ત્રીમંડળ શરમાઇ ગયું, અને હસી પડ્યું, તેમ ખરી વાત સઉને મનમાં પણ એથી જ આવી ગઇ. કુમારીના કરતાં દશેક વર્ષ મ્હોટા અને સાધારણ સ્થિતિના છોકરા સાથે એનો વિવાહ કરવામાં આવ્યો.

સાહસરાય આખરે આવ્યો. કુમારીનાં લગ્ન થયાં. લગ્ન પ્હેલાં ગુણસુંદરીએ પોતાના અલંકાર ક્‌હાડી પતિને આપવા માંડયા, પણ તેણે લીધા નહી અને કહ્યું કે “આજથી કોઇને માલમ પડે કે ત્હારા અલંકાર ઉતારવા પડેછે તો સઉં હા ના કરે ને લગ્ન પ્રસંગે ત્હારે શરીરે કંઇ ન હોય તો આપણે પણ ઠીક ન દેખાય. હાલ તો સામન ઉધારે આણવો છે. હીસાબ ચુકવવા દ્રવ્ય આપવું પડશે ત્યારે જોઇ લેઇશું.”

હીસાબ ચુકવવાનો પ્રસંગ આવ્યો ત્યાંસુધી ખરચ ક્યાંથી થાય છે તેનો કોઇયે પ્રશ્ન પુછ્યો નહી. ઘરમાંથી કોઇ એ બાબતની વાત જ ક્‌હાડે નહી. સાહસરાય એમ જ સમજયો હતો કે વિદ્યાચતુર સઉ ખરચ આપશે, ગુણસુંદરીએ માનચતુરને કહ્યું હતું કે તમારે ખરચ નહી કરવું પડે, ને ડોસો હમેશા ઉત્તર દેતો કે “ જો જો તો ખરાં!” પૈસા વીશે બે જણને ઉચાટ હતો, એક ગુણસુંદરીને અને એક ડોસાને. ગુણસુંદરીને એવો ઉચાટ હતો કે રખેને વિદ્યાચતુર મ્હારું પલ્લું માગતાં આચકો ખાય ! ડોસાને એવો ઉચાટ હતો કે રખેને આ ખરચનો ભાર વિદ્યાચતુરને માથે આવી પડે ને સાહસરાય બચી જાય! ગુણસુંદરિયે કબુલ કર્યું હતું કે “ખરચ તમારે માથે નહી પડે” એટલી ડોસાને શાંતિ હતી, તો પણ તે એમ ધારતો હતો કે ગુણસુંદરી