પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮

મારે કર્મે એક્‌કે દીકરો પરાક્રમી ન ઉઠ્યો ! આ દીકરાની બાબતમાં પણ હું છેતરાયો ! મ્હારું કુટુંબ એક આ વહુથી ઉજળું છે, બાકી બીજાં બધાં કુટુંબબેાળું ! અલ્યા પલ્લું !”

ગુણસુંદરીનો સ્વર સંભળાતાં આ ક્રોધમાં વિઘ્ન પડયું : “આપ મને કંઇ તમે કહીને બોલાવો છો અને આમ નરમ થઇને બેલો છો તે કંઇ નવાઇની વાત લાગે છે.”

વિદ્યાચતુરે જરીક મ્હોં મલકાવ્યું: “ના, એ તો અમસ્તું પણ જો હું શું કરું ? લોકની પાસે ઉધારે રકમ માગવા જઇએ અને કોઇ હા ના ક્‌હે એટલે આપણી પ્રતિષ્ઠા કોડીની થઇ જાય. આજ સુધી મ્હેં કોઇની પાસે કાંઇ માગ્યું નથી.”

“ત્યારે તેમાં શું થઇ ગયું જે ? આજ તો રાત પડવા આવી છે, પણ કાલ હું દાગીના આપું તે વેચી આવો એટલે વગરમાગ્યે અને વગર સપાડે બધી રકમ ઉભી થશે.”

“શરીર ઉપરથી દાગીના ઉતરશે તે જગત જાણશે ને આપણી સાખ કોડીની થઇ જશે.”

“સારે કામે અલંકાર ઉતરશે તેનું પુણ્ય તમને છે, અને એ પુણ્યે આથી સોગણા અલંકાર પ્હેરાવવાનો કાળ આવશે. બ્હેનને સારુ આપણે અલંકાર ઉતારીશું તો આપણી પ્રતિષ્ઠા કોડીની મટી કોટિલક્ષની થશે.”

“પણ વેચવા જઇશું તો સોના સાઠ ઉપજશે.”

“એટલી ખોટ ઈશ્વર પૂરી ર્‌હેશે.”

“વ્યવહારની વાતમાં યે ઈશ્વર આપી ર્‌હેશે કહી કામ કરવું એ ડહાપણ નહીં. ”

ગુણસુંદરી હશી પડી. “ત્યારે તો નકામી જ વાતોમાં ઈશ્વરને ફોસલાવવાના કે ?”

વિધાચતુર હાર્યો, “ના, પણ મને લાગે છે કે સઉ દાગીના ગીરો મુકિયે."

“એમ કરો ત્યારે.”

“પણ આ કામ જ કંઇ કરવા જેવું નથી.”

“ કેમ ?"

“જગતમાં મૂર્ખ ઠરીશું.”

“જગત જખ મારે છે. આપણે ક્યાં યશનેવાસ્તે કરિયે છિયે ?”

”પણ ઘરમાં કોઇને ખબર પડી તો આ કામ કરવા નહી દે.”