પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪


આખરે અલંકાર પહેર્યા વિના જ નીચે ચાલી ગઇ. તે પછી થોડીક વારે માનચતુરે વિદ્યાચતુરને બોલાવ્યો અને લગ્નમાં શું શું ખરચ થયું છે, કોને કોને કેટલા રૂપિયા આપવાના છે વગેરે તપાસ કરી, અને બધી હકીકત જાણી લીધી, જમી કરી વિદ્યાચતુર બહાર ગયો એટલે સાહસરાયને સાથે લઇ, સઉને ઘેર જઈ વિદ્યાચતુરને નામે ડોસો નાણાં ભરી આવ્યો અને ખાતાં પુરાં કરાવી આપ્યાં. જ્યારે કેટલાક દિવસ વીતવા છતાં લોકો ઉઘરાણી ન આવ્યા ત્યારે છેવટે તપાસ કરતાં વિદ્યાચતુરને માલમ પડયું કે સાહસરાય અને માનચતુરે સઉના આંકડા ચુકવી દીધા છે. પોતાનું ધાર્યું સિદ્ધ થયાથી માનચતુરનો આત્મોદ્રેક તૃપ્ત થયો. એ સર્વ એના સ્વભાવ પ્રમાણે થયું.

ગુણસુંદરીના કુટુંબમાં સર્વ વાતે હવે સિદ્ધિ થઇ અને એ કુટુંબનો સંસાર ચીલે પડ્યો. માત્ર કોઇ કોઇ પ્રસંગે કંઇ નવાજુની થતી હતી. જેમકે ગુણસુંદરીને સારુ કંઇ આણ્યું હોય તો કુટુંબનાં બીજાં માણસોમાં તણાઇ જતું. એનાં મ્હોટા મનને તેથી વિનોદ જ મળતે. પરંતુ આવી આવી સર્વ બાબતોથી માત્ર એકલો માનચતુર નાખુશ ર્‌હેતો રહ્યો. એ હમેશ ક્‌હેવત ક્‌હેતો કે “ ડાહી વહુ રાંધણું રાંધે અને ડાહ્યો દીકરો દેશાવર ભોગવે.” એને હવે સ્પષ્ટ લાગ્યું કે ગુણસુંદરીને આ જંજાળમાંથી છુટી કર્યા વિના સંસારનું ખરું સુખ એ ભોગવી શકવાની નથી. આટલી ન્હાની વયમાં વૃદ્ધ ડોસીપેઠે તેને સદા જંજાળમાં જ રાખવી એ કામ ડોસાને કૃતઘ્ન લાગ્યું. “મ્હેં જુવાનીનું સુખ જોયું છે, સઉને સુખ ભોગવવા મન તો થાય પણ એ મ્હોટા મનની છે તે મનમાં આણે નહી. એને સારુ વેણી આણું તે મનોહરી લેઇ ગઇ, વીંટી આણી તે દુ:ખબાએ પટકાવી, પલંગ આણ્યો તે ચંડિકાના રંગમહેલમાં ગયો – કર્કશાને આટલાં મ્હોટાં છોકરાં થયાં ત્હોયે પલંગ જોઇયે ! અને એને સારું કાચની હાંડિયો આણી ત્યારે મારી ડોસલી દેવમંદિરમાં લઇ ગઇ ! બધાંને બધું જોઇયે ગુણસુંદરી ઘરડી તે એને કાંઇ જોઇયે નહી – એને કશાનું મન જ ન થાય ! ગાનચતુરને ભાન જ નથી કે હવે સ્વતંત્ર કમાઇ થઇ ત્યારે ભાઇના ઉપરથી ભાર ઓછો કરવો ! ભાઇને કચરી માર ! જુદો ર્‌હે તો એને ખોટું દેખાય એવી તો એની બુદ્ધિ ! હવે તો કંઇ નહી, સાહસરાયે ધંધો કરવા માંડયો છે ત્યાં દુ:ખબાને મોકલી દઉંછું, અને હું આ બધાં ઢોરને હાંકી સાથે લેઇ જાઉં મનોહરપુરીમાં;