પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૫

ગામડું ગામ ને ખરચ પણ ઓછું, ને અહિંઆં આ છુટી થાય. માટે એ તો સિદ્ધ ! હું નહી સમજું ત્યારે કોણ સમજશે.”

માનચતુરે ધીમે ધીમે ધારેલું કામ પાર ઉતારવા યુક્તિઓ કરવા માંડી. પ્રથમ તો એ કામ કર્યું કે સાહસરાયને પરદેશમાં હરકત પડે છે એવું નિમિત્ત ક્‌હાડી દુ:ખબાને એના પરિવાર સાથે વીદાય કરી દીધી; અને સાહસરાય રત્નનગરી આવ્યો હતો ત્યારે વાતચીતમાં સસરા પાસેથી બુદ્ધિ પામ્યો હતો તેનો ઉપયોગ કરી ધંધો ચલાવી શકતો હતો, એટલે દુ:ખબા એને ભારે ન પડી. તે પછી સમજાવી સમજાવી ગાનચતુરને જુદો ક્‌હાડ્યો અને ગુણસુંદરીએ તેમ ન થવા દેવા આગ્રહ કર્યો તે નિરર્થક થયો. વિદ્યાચતુરની પાડોશમાં જ બીજું ઘર ગાનચતુરનું રખાવ્યું અને ગુણસુંદરીએ પોતાના ઘરમાંથી બન્યું એટલું રાચરચીલું તેમાં નીવડાવ્યું. એમ કરતાં કરતાં માનચતુરને શરીરે કાંઇ સહજ અસુખ ર્‌હેતું થયું તેનું નિમિત્ત ક્‌હાડી પાણીફેર કરવાને મિષે માનચતુર ધર્મલક્ષ્મીને તથા ચંચળને એના વિસ્તાર સાથે જોડે લઈ મનોહરપુરી ર્‌હેવા ગયો. ગુણસુંદરીના ઘરમાં હવે માત્ર પોતાનું કુટુંબ તથા સુંદરગૌરી એટલાં જ રહ્યાં.

આવી રીતે પક્ષિયો પ્રાતઃકાળે ઝાડપરથી વેરાઇ જાય તેમ ગુણસુંદરીના ઘરમાંથી સર્વ જતાં રહ્યાં અને તે એકલી પડી. ઘણાક દિવસ તેને ઘર શૂન્ય લાગવા માંડયું અને ઘણીક વખત તે એકલી એકલી સઉને સંભારી રોતી, અનુકૂળ પડે મનોહરપુરી જઈ આવતી પણ ખરી.

આમ એકલી પડી તે પછી પણ એને ઘણા ઘણા અનુભવ વીત્યા. કુમુદસુંદરી પછી બે વર્ષે કુસુમસુંદરી જન્મી. ત્યાર પછી એને કંઇ સંતતિ ન થઇ, પોતે જરા વધારે મ્હોટી થઇ ત્યાંસુધી પ્રસંગે એમ થતું કે એક પુત્ર હોય તો સારું. પણ સત્પતિ, સદભ્યાસ, સદનુભવ, અને સદ્‍બુદ્ધિને બળે એ અસંતોષ મટી ગયો. કેટલાંક વર્ષે એવાં વર્ષ આવ્યાં કે કુટુંબમાંથી એક પછી એક એમ સઉ માણસ ગત થવાં લાગ્યાં. પ્રથમ ધર્મલક્ષ્મી, પછી ચંચળ, પછી ચંચળનાં સર્વ છોકરાં, તે પછી દુ:ખબા, તે પછી ગાનચતુર, અને આખરે ચંડિકા : એ સર્વ માણસ ધીમે ધીમે યમરાજના નગર ભણી ચાલ્યાં ગયાં. જુદે જુદે પ્રસંગે તે સઉના મંદવાડમાં, મરણકાળે, અને તે પછીનાં ક્રિયાખરચને સમયે, ગુણસુંદરીને, કાળજું કઠણ કરી, રોતે રોતે એકલે હાથે કામ કરવું પડયું. હાલમાં વિદ્યાચતુર અને ગુણસુંદરી, બે જાતે જ