પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬


રત્નનગરીમાં ર્‌હેતાં, કુમુદસુંદરી સાસરે જતી રહી, સર્વ ગયા છતાં વૃદ્ધ માનચતુર ઘણાક ઘા ખમી જીવતો હતો અને મનોહરપુરીમાં ર્‌હેતો હતો તેની ચાકરી કરવા વૃદ્ધાવસ્થાને આંગણે આવેલી સુંદર પણ મનોહરપુરી જ ર્‌હેતી હતી અને વેશકેશનો ત્યાગ કરી પૂર્ણ વિધવાવ્રત પાળતી હતી. હરિપ્રસાદે ભણવું છોડી નોકરી લીધી હતી અને કુટુંબની જંજાળ વધ્યાથી મનોહરી, છોકરવાદી છોડી, માણસાઇમાં આવી હતી અને પરદેશમાં રહી કાકીજી સાથે પત્રવ્યવહાર રાખતી અને એને જ માને ઠેકાણે ગણતી. આ સર્વ અનુભવથી ગુણસુંદરીનું હ્રદય હતું તેના કરતાં હજારગણું કોમળ અને વત્સલ બની ગયું હતું. પાછલો કાળ તેની કલ્પનાશક્તિ પાસે તાદ્દશ ખડો થતો, અને મૃત્યુના પડદા પાછળના અરણ્ય જેવા એકાંત ભાસતા પ્રદેશને વાસ્તે તેને તત્પર કરી રાખતો.

ભદ્રેશ્વર જવા સુવર્ણપુરથી આવનારી દીકરીને મળવા આતુર માતા, મનોહરપુરીમાં પોતાના ઉતારામાં ઉંચી ઓસરીમાં ઉભી ઉભી આઘેની ભાગોળ ભણી નજર નાંખતી હતી તે પ્રસંગે પોતે, રત્નનગરીના ઉત્તમ પ્રધાનની પત્નીનું વર્તમાન પદ ભુલી,આવી આવી જુની કુટુંબવાર્તા હ્રદયમાં ખડી કરી, “ મ્‍હારી આ બે પુત્રિયોને લલાટે પણ શા શા લેખ લખ્યા હશે અને જ્યારે આટલાં બધાં મ્‍હારાં માણસ મ્‍હારાં મટી ચાલતાં થયાં ત્યારે આમાં પણ કોને કોનું ક્‌હેવું ?” એવા વિચાર કરી, અાંખમાં ઝળઝળિયાં આણતી હતી અને એને આવકાર દેવા ઉતારાની આશપાશ તરવરતી ગરીબ વસ્તી એની આંખ આગળ ઝાંઝવાના જળપેઠે માત્ર તરતી લાગતી હતી.



પ્રકરણ ૬.
મનહરપુરીમાં એક રાત્રિ.

મનોહરપુરીમાં ગુણસુંદરીના ઉતારાનું મકાન ગામડાના પ્રમાણમાં મ્‍હોટું અને સોiવાળું હતું. માનચતુરને વાસ્તે, સુંદરગૌરીને વાસ્તે, ગુણસુંદરીને વાસ્તે, અને ચંદ્રકાંતને વાસ્તે, સોઇદાર જુદા જુદા ઓરડા હતા. તે શીવાય રસોડાનો ખંડ, જમવાનો ખંડ, પાણીનો તથા ન્‍હાવાનો ખંડ, એ પણ નીરનીરાળા હતા. વળી પાછળ એક વાડો અને આગળની ઓસરી એ તો જુદાં જ હતાં.