પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦

ઓળખતી પણ ન હતી, તેની કળાઓ શાને ક્‌હેવી તે જાણતી પણ ન હતી, છતાં અણદીઠો અણપરખ્યો મદન એની નાડિયે નાડીમાં અને રુવે રુવામાં અગોપ્ય તનમનાટ નિરંતર મચાવી મુકતો હતો. મુગ્ધ શૃંગારનાં પડે પડ એમનાં એમ ર્‌હેવા છતાં તેની અંદરથી આ તનમનાટ પ્રકાશ મારી ર્‌હેતો હતો. પરંતુ હજી સુધી સઉ ભુલાવો ખાતાં અને કુસુમસુંદરી ન્હાનપણમાં જેવી મસ્તીખોર, ઉચ્છૃંખલ, અને સ્વતંત્ર હતી, વગર શીખવી કળાઓ શીખવાની ખંતીલી હતી, અને ઉધાડી અથવા ગુપ્તરીતે એ ખંતને લીધે હરેક નવી વાત જોતામાં, સાંભળતામાં, અનુકરણ કરતામાં, વિચારતામાં અને અનુભવી જોતામાં, શીખી જતી ત્યારે જ જંપતી તેમ હાલ પણ કુસુમસુંદરી નવે રૂપે એ જુના જ ગુણો જાળવી રહી છે અને તેનામાં કંઇ નવું દૈવત આવ્યું નથી એવી જ સઉને ભ્રાંતિ ર્‌હેતી. પરંતુ એ મદનદૈવત ચકોર કુસુમના કુમળા શિરમાં ભરાઈ ર્‌હેતું, એની પાસે સોડિયું વળાવતું, વધતાં અંગ સંકોચાવતું, લજજારૂપી હાથવડે એનો હાથ ઝાલી એને પાછો ખેંચી રાખતું અને એના શબ્દમાં મિતાક્ષરતાને અને ચેષ્ટામાં મર્યાદાને ભરતું. જોનારનો અભિપ્રાય પણ છેક ખોટો ન હતો, કારણ મદને એને ઝાલવા માંડી હતી તેમ પોતાના બાળપણને હજી એણે ઝાલી રાખ્યું હતું, અને તે ઉભયની સાંકળોને આધારે એ હીંચકા ખાતી હતી,

ગીતની અસરથી રોતી ગુણસુંદરીને દેખી, તેની અને સુંદરની વચ્ચે ભરાઇ બેઠેલી કુસુમસુંદરી ડોકું સઉથી દેખાય એમ બ્હાર ક્‌હાડી બોલી ઉઠી: “દાદાજી, જોયું કે? ગુણિયલની અાંખમાં અાંસુ આવ્યાં ને રુવે છે !”

અચિંત્યા આ પ્રશ્નથી સઉની એકાગ્રતામાં વિક્ષેપ પડ્યો, અને વૃદ્ધ માનચતુર વ્‍હાલી પૌત્રીના ઓઠમાંથી અક્ષર પડતાં મલકાઇ ગયા અને બોલ્યા: “બ્‍હેન, એ તો ત્‍હારી જ આબરુ ગઇ કે તું પાસે છતાં રુવે છે !” સઉ હસી પડ્યાં.

“ ના, ના, એ તો એમ નહી જુવો, એ તો રત્નનગરીમાં સરસ્વતીચંદ્રનું વાંકું બોલતી હતી ને ક્‌હેતી હતી કે બાપે બે બોલ કહ્યા તેટલા ઉપરથી આટલો રોષ ચ્‍હડાવવો એ તો છોકરવાદી છે. ત્યારે સાસુનણંદનાં મ્હેણાં ન સંભળાયાં અને વહુને ઓછું આવ્યું એવું ગીત સાંભળતાં જ આવડાં મ્‍હોટાં ગુણિયલ રોઇ પડ્યાં ત્યારે એ છોકરવાદી નહીં ? સરસ્વતીચંદ્રને તો જાતે વેઠવું પડ્યું અને આને આ તો આટલાથી જ રોજ આવ્યું ! મ્‍હેં તે દિવસે