પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૧

ગુણિયલને કહ્યું કે સરસ્વતીચંદ્રને ઠપકો દેતાં પ્હેલાં વિચાર કરજો કે આપણે પોતે એને ઠેકાણે હઇયે તે કેવું લાગે?”

“ત્યારે તે એમ ક્‌હેને કે તું જીતી ને ત્હારાં ગુણિયલ હાર્યા ?”

“હાસ્તો. એક વાર નહીં ને હજાર વાર.”

“બ્હેન, માને જીતાય નહી, હોં ! ” – સુંદરગૌરી એને માથે હાથ ફેરવતી ફેરવતી બોલી.

“ના, કાકી, મ્હોટાં આગળ તો ન્હાનાં જ જીતે. જુવો ને તમે જ વાતો કરોછો કની કે ગુણિયલે ઘરમાં બધાંને એવાં જીતી લીધાં હતાં કે દાદાજી, મ્હોટાં મા, બે ફોઇયો, અને તમે બે કાકિયો – કોઇનાથી ગુણિયલ આગળ બોલાય નહી, એણે તમને બધાંને જીત્યાં ત્યારે હું એને ન જીતું ?”

ચંદ્રકાંત સુદ્ધાંત સર્વને હસવું આવ્યું. ચંદ્રકાંતને પણ એની સાથે બોલવાનું મન થયું, અને સ્મિત કરી બોલ્યોઃ

“બ્હેન, તમારાં માતુઃશ્રી જેનો વાંક ક્‌હાડે તેનો પક્ષપાત તમારાથી કેમ થાય ?”

દીવાનું અજવાળું કુસુમસુંદરીના અર્ધા મુખ ઉપર પડતું હતું, અને અર્ધો ભાગ ગુણસુંદરીની છાયામાં ઢંકાયેા હતેા. અજવાળાવાળા ભાગ ઉપર ચંદ્રકાંત ઉત્તર સાંભળવાને નિમિત્તે જોઇ રહ્યો, અને સરસ્વતીચંદ્રનો પક્ષપાત કરનારી કન્યાના મુખપરની સાદાઇ અને પ્રસન્નતા ઉપર થઇને આવતા જતા ગુંચવારાવાળા વિકાર કલ્પવા લાગ્યો: સરસ્વતીચંદ્ર, કુમુદસુંદરી ગરીબ સ્વભાવની છે – પણ ત્હારે યોગ્ય તેા આ જ છે – કારણ એ ત્હારા માથાની નીવડશે અને ત્હારા સદાના ગંભીર અને આડા સ્વભાવને પાંશરો કરશે – પણ – એ દિન કયાં ?” નિઃશ્વાસ મુકી, મનમાં આમ બોલી, ચંદ્રકાંત જોઇ રહ્યો.

પરભાર્યા જેવા ચંદ્રકાંતની સાથે બોલવાનો પ્રસંગ આવી વાતમાં આમ અચિંત્યો આવવાથી કુસુમસુંદરી પળવાર ગુંચવાઇ, જરીક શરમાઇ, કંઇક નીચું જોઇ રહી, આખરે ગંભીર ઠરેલ માણસનો આકાર ધારી ભાષણ કરતી હોય તેમ બેલી: “ચંદ્રકાંત ભાઇ, જ્યારે એમ હોય ત્યારે તો સરસ્વતીચંદ્રે મ્હારી બ્હેનનો ત્યાગ કર્યો છે તે બ્હેનના કુટુંબ ઉપર તમ જેવા એમના મિત્રની મમતા કેમ હોય ? જેવો તમે અમારા ઉપર પક્ષપાત રાખો છે તેવો અમે સરસ્વતીચંદ્ર ઉપર રાખિએ એ અંતઃકરણનો સંબંધ.”

“ખરી વાત, બ્હેન, એવું રોજ રાખજો.” '