પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૩

અંત:કરણને ચંદ્રકાંત ટકોરા મારવા લાગ્યો, અને ન્યાયાધીશની પાસે પક્ષવાદ કરવાની પોતાની કળાની સીમા પ્રત્યક્ષ કરાવવા લાગ્યો.

વિદ્યાચતુરે ચંદ્રકાંત પાસે સરસ્વતીચંદ્રનો દોષ ક્‌હાડ્યો હતો તે સારુ ગુણસુંદરી મનમાં પસ્તાવા લાગી; ન્હાની કુસુમ સુંદરગૌરીને ખભે પછવાડેથી વળગી ઓઠ કરડતી શ્વાસ સરખો લીધા વગર સઉ સાંભળી રહી અને પોતાના ઉંધા મુકેલા પગ અંધારામાં પૃથ્વીપર કંઇક પછાડવા લાગી; અને અનુભવી માનચતુર, દંશ પામેલા સ્નેહને આશ્વાસન દેવું એ પોતાનો ધર્મ સમજી, સરસ્વતીચંદ્રને નિર્દોષ ઠરાવવા પોતાના પુત્ર વિદ્યાચતુરનો ફેંસલો ફેરવવા, પોતાના જ પાછલા અનુભનો આધાર બતાવા લાગ્યો, એ જ અનુભવના બાંધેલા કાયદાના સિદ્ધાંતોનું સ્પષ્ટીકરણ કરવા લાગ્યો, અને ચંદ્રકાંતે કરેલી વકીલાતને સફળ કરી, એની મિત્રતાને ધન્યવાદ આપતાં આપતાં, પોતે બોલ્યો હતો તેનો ઉપસાંહાર કરી બોલ્યો.

"ચંદ્રકાંત, સરસ્વતીચંદ્રનો વિચાર બધું જોતા ખોટો ન હતો. કુમુદસુંદરી ગુમાનબા સાથે રહી સુખી ન થાત એમાં કાંઇ વાંધો નથી. વિદ્યાચતુર એ વાત ન સમજે. એને ભાગ્ય અમારાં આ ગુણસુંદરી મળી ગયાં છે અને ગુણસુંદરિયે એને જગતનો માર જણાવા દીધો નથી એટલે એવો માર કેવી વસ્તુ છે એની એને કલ્પના જ નથી. આજ તો ગુણસુંદરી ભૂલી ગયાં હશે પણ એમની બાવીશ ત્રેવીશ વર્ષની અવસ્થા હતી, અને અમાતા ઘરમાં તો સંપ હતો છતાં કેવાં કેવાં નાટક થતાં હતાં અને એમણે એટલી ન્હાની ઉમ્મરે કેવી રીતે સઉ શાંત કરી દીધું તે મને સરત છે. બાવીશ ત્રેવીશ વર્ષની છોકરિયે મ્હારા આખા ઘરનો મ્હોટાંને કચરી નાંખે એવો ભાર ફુલની પેઠે માથે ઝીલી લીધો હતો, અને ન્હાનું ન્હાનું શરીર રુપાની આરતી પેઠે આખા ઘરમાં ફરી વળે અને જ્યાં ફરે ત્યાં એના અજવાળાનો ઝાત્કાર; તેમ એની શાંતિને ધન્ય ક્‌હો કે મ્હારા જેવા વૃદ્ધથી મીજાજ જળવાય નહી ત્યાં એના મ્હોંમાંથી શબ્દ સરખો નીકળે નહી, ને જો નીકળે તો કેવો? શાંત ધીમો, અને સઉને ત્હાડાં પાડી દે એવો. એટલું જ નહી પણ એના મનમા યે કંઇ લગાડે નહી. કેટલાંક એવાં હોય છે કે મનમાં તો લાગ્યા વગર ન ર્‌હે પણ બ્હાર ન જણવે, અને આ તો એવું કે એને કોઇ ખાવા ધાય તો તેના ઉપર એ ન્હાની સરખી છોકરી ઉલટી પ્રીતિ રાખે અને